વિવાદ પર પૂર્ણ વિરામ:પાલનપુર કલેક્ટર કચેરી બદલવાની જગ્યાના વિવાદ ઉપર પૂર્ણ વિરામ, સાધારણ સભામાં પથિકા આશ્રમ કચેરી ખસેડવાનો નિર્ણય કરાયો

પાલનપુર2 મહિનો પહેલા
  • કલેક્ટર કચેરી અન્યત્ર ખસેડવામાંના વિવાદ પર પૂર્ણ વિરામ
  • શાસક પક્ષ અને વિપક્ષની સહમતિથી ઠરાવ કરાયો

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં પથિકાશ્રમના બિલ્ડીંગને કલેકટર કચેરી બનાવવા ફાળવી દેવા અને પથિકાશ્રમ માટે નવી જગ્યા ફાળવવા સામૂહિક ઠરાવ કર્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ સંમતિ આપી છે. થોડા દિવસો અગાઉ નવી કલેકટર કચેરી બનાવવા સદરપુર ચાર રસ્તા પાસે જગ્યા પસંદ કરાઈ હતી, જે બાદ જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં નવી જગ્યા અંગે વિરોધનો સુર ઉઠતા જિલ્લા પંચાયત સભ્યોએ અરજદારોને 4 કિમી દૂર ન મોકલવાના હેતુથી સાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.

આ ઉપરાંત બેઠકમાં અશ્વિન શક્તિના એ વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ બાબતે ,ગરીબોને રહેણાંક પ્લોટ બાબતે વડગામ તાલુકામાં ગૌચર પરના તેમજ પડતર જમીન પરના દબાણ અંગે ચર્ચા કરાઈ હતી, દિનેશ પરમારની વારંવારની રજૂઆતના પગલે સામાજિક ન્યાય નિધિની રચના કરી 15 લાખથી વધુના ફંડ ફાળવવા સર્વાનુમતે બહાલી અપાઈ હતી. સ્કૂલના 1500 ઓરડાઓની ઘટ તાત્કાલિક પુરવા સરકારમાં રજૂઆત કરવા નક્કી કરાયું હતું જ્યારે રિસર્વેની વાંધા અરજીઓ ઉપરાંત પણ અનેક પ્રશ્નો સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં ઉઠાવ્યા હતા.

છેલ્લા છ મહિનાથી કલેક્ટર કચેરી અન્યત્ર ખસેડવાની વાત છે. જોકે, પથિકા આશ્રમ કલેક્ટરને સુપ્રત કરવામાં આવે તો કલેકટર કચેરીનું નવેસરથી બાંધકામ થઈ શકે. ત્યારે જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સહમતિથી ઠરાવ પસાર કર્યો હતો અને જિલ્લા પંચાયત પથિકા આશ્રમની જગ્યા કલેક્ટરને સોંપવાનો નિર્ણય કર્યો હતો.

હવે કલેક્ટર કચેરી બદલવાની જગ્યાના વિવાદ ઉપર પૂર્ણવિરામ આવ્યો છે. તો આરોગ્ય વિભાગની એફ એસ ડબ્લ્યુના કર્મચારીઓ હાજર ન રહેતા હોવાની સાધારણ સભામાં રાવ પણ ઉઠી હતી. ત્યારે ખેડૂતોની જમીનમાં રી-સર્વે અને ખેડૂતો પરેશાન થવાની પણ સભ્ય જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

સાધારણ સભામાં મોટાભાગના કોંગ્રેસના સદસ્યો હાજર રહ્યા હતા.
સાધારણ સભામાં મોટાભાગના કોંગ્રેસના સદસ્યો હાજર રહ્યા હતા.

જિલ્લા પંચાયતના સાધારણ સભામાં સદસ્યા ઘૂંઘટ કાઢીને બેઠા
જિલ્લા પંચાયતના સાધારણ સભામાં અલગ અલગ બેઠકો પરથી નેતાઓ ચૂંટાયા છે જેમાં ડીસા થી સુઈગામ સુધી ના વિસ્તારમાં પાઘડી અને ઘૂંઘટના રિવાજ અકબંધ છે. ગુરુવારની સભામાં ભાતીગળ સંસ્કૃતિને દર્શાવતા અલગ અલગ પહેરવેશની છાંટ જોવા મળી હતી. ઉપરાંત એક મહિલા સદસ્યા ઘૂંઘટમાં જોવા મળ્યા હતા.

જિલ્લા પંચાયતનું નવુ ભવન બનાવવા સરકારમાં દરખાસ્ત
સાધારણ સભામાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતની નવી ઈમારત બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલવા નક્કી કર્યું હતું. જે અંગે સભ્યોએ જણાવ્યું હતું કે 40 વર્ષ જૂના બિલ્ડિંગને રીપેરીંગ કરી શકાય તેમ નથી જેથી નવું બાંધકામ કરવા માટે વિકાસ કમિશ્નર મારફતે સરકારમાં દરખાસ્ત મોકલવા ઠરાવ કર્યો છે.

જિલ્લા પંચાયતના 6 કર્મીઓના કોરોનાથી મોત થતાં સહાય માટેની દરખાસ્ત પેન્ડિંગ
બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના કોરોનાના લીધે મોત નિપજ્યા હતા.તેમાં દાંતાના પ્રવિણભાઈ ફરસુરામ જોશી, ગોપાલસિંહ તખતસિંહ રાજપુત, શરદકુમાર કનૈયાલાલ શિકરવાર, ઘનશ્યામભાઈ ચુનીલાલ લીમ્બાચીયા, થરાદના અશોકકુમાર ડાયાલાલ મોદી અને પાલનપુરના અમૃતભાઇ ગોદડભાઈ પરમારની દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ હોવાનું સભામાં જણાવાયું હતું.

વેટરનરી તબીબને ખાનગી પ્રેક્ટિસની છૂટ છે : નાયબ પશુપાલન નિયામક
પંચાયત સદસ્ય કલાભાઈ મકવાણાએ પશુપાલન વિભાગને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા જે અંગેની વિગતો આપતા નાયબ પશુપાલન નિયામક પ્રકાશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે "જિલ્લામાં 65 પશુ દવાખાના છે જેમાં 3 ફરતા પશુ દવાખાના છે જમા પશુઓને તમામ પ્રકારની સારવાર ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે તેમજ વિનામૂલ્યે દવા પૂરી પાડવામાં આવે છે અને વેટરનરી ડોકટરને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ છે.

આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

10 તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ બન્યા
ડીડીઓ સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે "જિલ્લામાં 10 તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ પૂરા થયા છે જ્યારે ધાનેરા દાંતીવાડા વડગામમાં પ્લાન્ટના કામ બાકી છે દિયોદરમાં પ્લાન્ટ આવી ગયો છે પરંતુ ચાલુ થયો નથી. વડગામમાં પ્લાન્ટ માટેનું વર્ક ઓર્ડર આપ્યો છે સપ્તાહમાં કામગીરી શરૂ થશે.

16 ગામમાં ગૌચર પર દબાણ
અશ્વિન સક્સેનાએ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં ગૌચરના દબાણ અંગેની વિગત આપતા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે 16 ગામોમાં ગૌચરની જમીન પર દબાણ છે.જેમાં 6 ગામોના 100 દબાણકારોના દબાણો પંચાયત દ્વારા દૂર કરાયા છે બાકીના દબાણ દૂર કરવા કાર્યવાહી ચાલી રહી છે

જિલ્લામાં 1555 ઓરડાની ઘટ
પંચાયત સદસ્ય રાજાભાઈ પટેલે ઓરડાઓ અંગે માહિતી માંગતા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "જિલ્લામાં 1555 ઓરડાની ઘટ છે જેમાં અમીરગઢ 59, ભાભર 23, દાંતા 169, દાંતીવાડા 91, ડીસા 232, દિયોદર 126, ધાનેરા 73, કાંકરેજ 241, લાખણી 92, પાલનપુર 96, સુઈગામ 24, થરાદ 177, વડગામ 60 અને થરાદ 92નો સમાવેશ થાય છે.

ડીસાના 155 ખેડૂતોને 2 વર્ષથી કૃષિ સહાય મળી નથી
જિલ્લા પંચાયત સદસ્યએ ડીસાના ખેડૂતોને બાકી સહાય અંગેની વિગત માગતા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે" કૃષિ સહાય 19-20 અંતર્ગત જુદા જુદા61 ગામોના 155 ખેડૂતોનું ifms portel પર ઓનલાઈન ટ્રાન્ઝેકશન ફેલ થયું હોવાથી ચુકવણું થયું નથી. બાકી તમામ ખેડુતોને સરકારમાંથી ગ્રાન્ટમાંથી ચુકવણું કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...