પાલનપુર-અમદાવાદ હાઇવે નજીક ઓટો કન્સલન્ટને ત્યાં કાર ખરીદવા આવેલા પાંચ શખ્સો ટેસ્ટ ડ્રાઇવના બ્હાને કાર લઇ જઇ સાથે એક કર્મચારીનું પણ અપહરણ કરી ગયા હતા. દરમિયાન કર્મચારીને રસ્તામાં ઉતારી દીધો હતો. જે ઘરે પરત આવ્યો છે. દરમિયાન કાર સાથે ફરાર થઇ ગયેલા શખ્સોને શોધવા માટે પોલીસે રાજસ્થાનમાં તપાસનો દોર લંબાવ્યો છે.
પાલનપુર સુખબાગ રોડ વિસ્તારની મહંમદી સોસાયટીમાં રહેતા અને કન્સલન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અનવરભાઇ વલીભાઇ સુમરાની ગઠામણ પાટીયા નજીક એસ.વી.એન મોટર્સ ઓટો કન્સલન્ટ આવેલી છે. જ્યાં શુક્રવારે સાંજે પાંચ અજાણ્યા શખ્સો કાર નં. જીજે. 01. આર. પી. 7216 લઇને આવ્યા હતા. જેમાંથી ત્રણ શખ્સો નીચે ઉતર્યા હતા. જ્યારે બે જણાં ગાડીમાં બેસી રહ્યા હતા. ત્રણ શખ્સોએ ઇનોવા ગાડી નં. જીજે. 06. કે. એચ. 0484 પસંદ કરી હતી. અને ટેસ્ટ ડ્રાઇવ માટે કહેતા કર્મચારી પાલનપુર તાલુકાના કોઇટાપુરા સદરપુરના વૈભવકુમાર રમેશભાઇ પટેલને સાથે મોકલ્યા હતા. જેઓ તેનુ પણ અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.
આ અંગે પાલનપુર પશ્વિમ પોલીસ મથકના પીઆઇ આર. આર. રાઠવાએ જણાવ્યું કે, અજાણ્યા શખ્સોએ કર્મચારી વૈભવ પટેલને રસ્તામાં ઉતારી દીધો હતો. અને કાર લઇ ગયા હતા. જે પરત આવ્યો છે. જેનું નિવેદન લેવામાં આવશે. દરમિયાન અજાણ્યા શખ્સોને શોધવા માટે ટીમ બનાવી રાજસ્થાનમાં તપાસનો દોર લંબાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.