માર્ગ મકાન મંત્રી સમક્ષ ઘા:પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિક મુદ્દે આંદોલનના ભણકારા

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર એરોમા સર્કલે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ શહેરીજનો આગળ આવ્યા છે. - Divya Bhaskar
પાલનપુર એરોમા સર્કલે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ શહેરીજનો આગળ આવ્યા છે.
  • શહેરના વિવિધ સંગઠનો દ્વારા 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું, સમસ્યાનો હલ નહીં થાય તો જન આંદોલન કરવાની ચીમકી
  • શહેરના એરોમા સર્કલે ટ્રાફિકના નિવારણ માટે 380 કરોડના ખર્ચના બાયપાસને અગ્રતા આપો

પાલનપુર એરોમા સર્કલે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.ટ્રાફિક મુદ્દે શહેરના અગ્રણીઓ મેદાને આવ્યા છે.પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે શહેરના વિવિધ સંગઠનો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. જ્યાં સિવિલ સોસાયટી સહિત શહેરના અગ્રણીઓ દ્વારા બીજા દિવસે રજૂઆત કરાઇ હતી. જેમાં રૂપિયા 140 કરોડનો ફલાય ઓવરબ્રીજ સાથે 380 કરોડના ખર્ચે દરખાસ્ત કરાયેલા બાયપાસને પણ અગ્રતા આપવા જણાવાયું છે. બીજી તરફ સંગઠનો દ્વારા 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. ત્યારબાદ જન આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સિવિલ સોસાયટીના શૈલેષભાઇ જોષીએ જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, સાંસદ પરબતભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઇ શાહ, નંદાજી ઠાકોર, મહામંત્રી ડાહ્યાભાઇ પીલીયાતર, દિલીપસિંહ ઠાકોર અને કનુભાઇ વ્યાસ સાથે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીને રજૂઆત કરી હતી. જેમાં પાલનપુર શહેરમાં ઓવર બ્રીજ બનાવવા માટે 100 કરોડ મંજુર કરાયેલા છે. પરંતુ તેનું એસ્ટીમેન્ટ 139 કરોડ બનેલું હોવાથી તે દરખાસ્ત કાર્યપાલક ઇજનેર દ્વારા તારીખ 28/7/20ના રોજ મંજુરી માટે મોકલવામાં આવી છે.

આ ઉપરાંત શહેરની પશ્વિમ તરફ સોનગઢ ગામથી જગાણા સુધી 24 કિલોમીરટનો ફોરલેન બાયપાસ બનાવવા રૂપિયા 380 કરોડની દરખાસ્ત પણ કાર્યપાલક ઇજનેર પાલનપુર દ્વારા તા.14/9/21ના રોજ સરકારમાં રજૂ કરાઇ છે. જેને મંજુર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સાંસદ પરબતભાઇ પટેલ દ્વારા પણ બાયપાસના કામ માટે રજૂઆત કરવામાં આવી છે. જ્યારે શહેરના સંગઠનોએ 15 દિવસમાં કામગીરી નહી શરૂ કરવામાં આવે તો જન આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

બ્રિજ બને તે પહેલા જગાણા નજીક 300 સેકન્ડનું ટ્રાફિક સિગ્નલ મુકવા માગણી
બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઇ જોષીએ જિલ્લા કલેકરટને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં જણાવ્યું હતુ કે, જ્યાં સુધી ઓવર બ્રીજ બનીને પુરો ન થાય ત્યાં સુધી હાલ પુરતું ટ્રાફિક જામનું ઝડપી નિવારણ લાવવા માટે અમદાવાદ હાઇવે ઉપર જગાણા પાટીયા પાસેના ચાર રસ્તા ઉપર 300 સેકન્ડનું એક ટ્રાફિક સિગ્નલ મુકવું જોઇએ. અને તે સિગ્નલ ખુલે એટલે ડીસા હાઇવે, આબુ હાઇવે અને પાલનપુર સીટી તરફથી આવતા ટ્રાફિકને પણ રોકવામાં આવે તો અમદાવાદથી અાબુ તરફનો વાહન વ્યવહાર સરળતાથી પસાર થઇ શકે.

પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને સદસ્ય અમૃતભાઇ જોષીએ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણને રજૂઆત કરી હતી. જેમાં
(1). વાઘરોળ થી ભાખર, કાંટ થઈ ડીસા હાઇવે ને રસ્તો મેળવી શકાય આ રોડને પહોળો કરી બાયપાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય જેથી નવીન જમીન સંપાદન કરવાનો પ્રશ્ન ન રહે અને ઓછા ખર્ચમાં પણ આ કામ થઈ શકે.
(૨) અમદાવાદ હાઈવે થી પાલનપુર શહેર તરફ ગોબરી તળાવ પાસેના રેલવે ફાટક ઉપર બની રહેલ પુલ ની કામગીરીમાં ઝડપ કરાવી પૂર્ણ કરી શકાય તો પાલનપુર શહેર માંથી અમદાવાદ આવવા જવાનો નવો માર્ગ ચાલુ થાય જેથી એરોમા સર્કલ તેમજ ડોક્ટર હાઉસ પાસેનો પુલનો ટ્રાફિક હળવો કરી શકાય.
(૩) અંબાજીથી અમદાવાદ જતા આવતાં રસ્તાનો ટ્રાફિક જગાણા મુકામે નાનું સર્કલ બનાવી જગાણા ઉપર બનાવેલ પુલ ઉપર થઈ બનાસ ડેરી થઈ રતનપુર તરફ નો હયાત રસ્તો પહોળો કરી શકાય તો આ રસ્તાનો પણ બાયપાસ તરીકે ઉપયોગમાં લઈ શકાય અને નવીન જમીન સંપાદન ન કરવી પડે.
(4) અમદાવાદ હાઇવે થી કાણોદર થઈ ટાકરવાડા થઈ ગઢ સાંમઢિ થઈ ધરપડા જુનાડીસા તરફ જતો હયાત રસ્તો પહોળો કરી ટ્રાફિકને હળવો કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...