આવેદન:ઓવરબ્રિજની ડિઝાઇન તૈયાર,વધુ ખર્ચની મંજૂરી ન આવતાં કામ અટક્યું

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર : પાલનપુર એરોમા સર્કલે શહેરની માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક - Divya Bhaskar
ફાઈલ તસવીર : પાલનપુર એરોમા સર્કલે શહેરની માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક
  • પાલનપુર એરોમા સર્કલે ટ્રાફિકની સમસ્યાના નિવારવા કોઇ પગલાં નહીં ભરાતાં શહેરના વિવિધ સંગઠનો આવેદન આપશે
  • સરકારે રૂ.100 કરોડ ગ્રાન્ડ જાહેર કરી છે પણ ખર્ચે 140 કરોડ જેટલો વધતો હોઈ મંજૂરી માટે પ્રકિયા ચાલુ છે: R&B

પાલનપુર એરોમા સર્કલે વર્ષોથી પેચીદી બનેલી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે અગાઉ અમદાવાદ હાઇવે ઉપર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવાયો હતો. જોકે, એરોમા સર્કલે થતું ટ્રાફિક નિવારવા માટે કોઇ પગલાં ન ભરવામાં આવતાં સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે.

અમદાવાદ, રાજસ્થાન, ડીસા તેમજ પાલનપુર શહેરમાંથી આવતા વાહનોથી 24 કલાક ધમધમતાં સર્કલે અવાર- નવાર ટ્રાફિક જામ થાય છે. જેમાં પ્રસૂતા મહિલાઓ, અકસ્માતમાં ગંભીર દર્દીઓ, શાળા- કોલેજના છાત્રો તેમજ નોકરીયાતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના ઉકેલ માટે બે વર્ષ અગાઉ તત્કાલીન જિલ્લા કલેકટર સંદિપ સાંગલેના પ્રયાસોથી આ સર્કલ ઉપર ઓવર બ્રિજ બનાવવા માટે સરકારે રૂપિયા 100 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જોકે, આ કામ ઘાંચમાં પડ્યું હોઇ હવે શહેરના વિવિધ સંગઠનો ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેદાને આવ્યા છે.

ચર્ચા કરી તંત્રને આવેદન આપીશુું
પાલનપુર ગુરૂકૃપા સેવા ટ્રસ્ટના પ્રમુખ જસવંતસિંહ વાઘેલા અને નિ:સ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ ઠાકોરે જણાવ્યુ કે, શહેરની માથાના દુ:ખાવા સમાન ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે જન આંદોલન કરી રહ્યા છીએ.જેમાં શહેરના અન્ય સંગઠનો સાથે મળી તેમજ શહેરના બુદ્ધિજીવી લોકો સાથે ચર્ચા કરી કાયદાને અનુસરી વહીવટી તંત્રને આવેદનપત્ર આપીશુ.

રૂ.140 કરોડના ખર્ચ માટે વહીવટી મંજૂરી મળી નથી
પાલનપુર એરોમા સર્કલ ઉપર ફલાય ઓવર બ્રિજ બનાવવા માટે સરકાર દ્વારા રૂપિયા 100 કરોડની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી હતી. જોકે, તેનો ખર્ચ રૂપિયા 140 કરોડ જેટલો વધી જતો હોઇ તેની વહીવટી મંજૂરી મેળવવા માટે પ્રોસેસ ચાલી રહી છે. જે મળ્યેથી રેલવે અને નેશનલ હાઇવે ઓથોરિટીના તાંત્રિક અભિપ્રાય પછી ઓવરબ્રીજનું કામ શરૂ કરી શકાય તેમ છે. > નિરવ પટેલ, આર એન્ડ બી અધિકારી,પાલનપુર

ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરીજનોએ સૂચવેલા ઉપાયો

  • ​​​હાઈવે ઓથોરિટી ને કહીં હનુમાન ટેકરી થી એરોમા સુધી શહેરમાં જવાના રસ્તાને રેલીંગ કરાવરાવો એટલે શહેરમાં જતા લોકોને એરોમા પાસે મુશ્કેલીઓ ન પડે.
  • ટ્રાફિકની સમસ્યાના મુળ કારણરૂપ ઈકો, લારીઓ, ગલ્લાઓ દૂર કરવામાં આવે
  • પહેલા તો સર્કિટ હાઉસથી યુકો બેંક સુધીના દબાણો તેમજ તેની આગળ ઉભી કરવામાં આવતી ગાડીઓ કાયમી ધોરણે હટાવી દબાણ ખુલ્લા કરવા તેમજ સર્કિટ હાઉસથી ગાયત્રી નગર સુધી સર્વિસ રોડ પર ફેન્સિંગ કરવામાં આવે.
  • નેશનલ હાઈવેથી બન્ને બાજુએ કેટલા મીટર ખુલ્લી જગ્યા હોવી જોઈએ,જે ધારાધોરણ હોય તે મુજબ એરોમાથી હનુમાન ટેકરી સુધી રોડની બન્ને સાઈડ કેટલી ખુલ્લી જગ્યા છે ?
  • આબુ હાઇવેથી ડીસા અને ગાંધીધામ કચ્છ તરફનું ડાયવર્ઝન વાઘરોલથી આપવું.
  • પીકઅપ અવર્સમાં હનુમાન ટેકરીથી સ્વસ્તિક સ્કૂલ તરફ જતા રોડ પર વન વે કરીને શહેરનું ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કરવું જોઇએ.
  • એમ્બ્યુલન્સ માટે યુજીવીસીએલથી સર્વિસ રોડ તરફ જવા માટે ડાયવર્ઝન આપવું જોઇએ. એના માટે હનુમાન ટેકરીથી સાઈન બોર્ડ લગાવવું જોઇએ.
  • અમદાવાદથી ડીસા તરફનું ટ્રાફિક બ્રિજ ચડતા પહેલા જ એક લાઈનમાં રહે તો ડીસા તરફનું ટ્રાફિક ઓછું થાય.
  • ટ્રાફિક સિગ્નલ ફોલો કરાવવા જોઇએ
  • અમદાવાદ જવા માટે ઇકો અને લક્ઝરી બસોનું સ્ટેન્ડ બ્રીજથી દૂર બનાવવામાં આવે. આબુરોડ માટે ઇકો, જીપ,અને બસનું સ્ટોપ આરટીઓ સર્કલથી 200 મીટર દૂર રાખવું જોઇએ.
  • સર્વિસ રોડ પર રોંગ સાઈડ, ચારેય દિશાઓ પર મુસાફર ભરવાના ખાનગી વાહનો આ ટ્રાફિક સર્જવા અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.
અન્ય સમાચારો પણ છે...