બાળકો વાયરલની ઝપેટમાં:વરસાદ થંભ્યા પછી વાયરલ બિમારીનો ભરડો,પાલનપુરની હોસ્પિટલોમાં દિવસની 1000 ઓપીડી

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 હોસ્પિટલમાં મોટાભાગના બેડફુલ,મેલેરિયા- ડેન્ગ્યુના કેસ નહિવત

પાલનપુર સહિત પંથકમાં વરસાદ થંભ્યા પછી વાયરલ ફિવરની બિમારી ઉદ્દભવી છે. ખાસ કરીને નાના બાળકોની સંખ્યા વધારે હોઇ હોસ્પિટલો ઉભરાઇ રહી છે.પાલનપુર શહેરની બાળકોની 20 હોસ્પિટલોમાં દિવસની 1000 ઉપરાંત ઓપીડી થઇ રહી છે. જેમાં મોટાભાગના બાળકોમાં સામાન્ય તાવ,શરદી,ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં ચોમાસાના શરૂઆતના વરસાદ બાદ છેલ્લા પંદર દિવસથી વાયરલ ફિવરની બિમારીએ માથું ઉંચક્યું છે.

જેમાં નાના બાળકો મોટી સંખ્યામાં બિમારીમાં સપડાઇ રહ્યા છે. ડો. મીના પટેલે જણાવ્યું કે, પાલનપુરમાં 20 જેટલી બાળકોની હોસ્પિટલ આવેલી છે. જેમાં દૈનિક 1000 ઓપીડી નોંધાઇ રહી છે. પાલનપુર નજીકના ગ્રામિણ વિસ્તારોમાંથી બાળકોને સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. ડો. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, બાળકોમાં ખાસ કરીને સામાન્ય તાવ, શરદી- ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, મોટાભાગની બાળકોની હોસ્પિટલોમાં બેડ ફુલ છે.

પાલનપુરમાં જાહેર સ્થળે પોરા મળી આવ્યા
જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોની મુલાકાત લઇ પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા એપેડેમિક ઓફિસર એન. કે. ગર્ગએ જણાવ્યું હતુ કે, પોરા જણાઇ આવતાં દિલ્હી ગેટ વિસ્તારમાં હિમાલયા અેવન્યુના માલિકને રૂપિયા 1000, હરિપુરા નક્ષત્ર ડેવલોપર્સને રૂપિયા 11,000, મલબાર લાઇફ સ્ટાઇલને રૂપિયા 1000 અને આબુ હાઇવે સાશ્વત ગ્રીનના સંચાલકને રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 18,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જ્યારે અન્ય પાંચ સ્થળોએ ચકાસણી દરમિયાન પોરા મળ્યા ન હતા.જ્યારે બીજા દિવસે પારપડા રોડ પર આવેલ અમૃતમ હોસ્પીટલને-5000ભૂમિ દર્શન-6100, રાધે રેસીડેન્સી-1000 આશીર્વાદ રેસીડેન્સીને રૂ. 5100અને આબુરોડ પર આવેલ અક્ષર વાટીકા 5100મળી કુલ રૂપિયા 22,300 દંડ કરાયો છે.

સિઝનેબલ બિમારી છે : અધિકારી
ચોમાસામાં સામાન્ય રીતે તાવ- શરદી ખાંસીના કેસો વધતાં હોય છે. ગત વર્ષે પણ આટલી જ સંખ્યામાં કેસો હશે. આ એક સિઝનેબલ બિમારી છે. જે સારવારથી મટી જાય છે. મેલેરીયા, ડેન્ગ્યુ કે અન્ય બિમારીના કેસો નથી. ગભરાવવાની જરૂર નથી. ડો. એન. કે. ગર્ગ (જિલ્લા અપેડેમિક ઓફિસર,)
એક સપ્તાહમાં 900 સેમ્પલના પરીક્ષણ
પાલનપુરમાં આવેલી ગુરૂગ્રીન,આદર્શ અને માઇક્રો લેબોરેટરીના સંચાલકોએ જણાવ્યું કે, છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓના લોહીના 900 ઉપરાંત સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે, તેમા ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ જેવી બિમારી આવતી નથી. સામાન્ય તાવના કેસ જ હોય છે.
પાલનપુર સિવિલમાં દૈનિક 600 ઓપીડી
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ વાયરલ ફિવરના દર્દીઓ આવી રહ્યા છે. કેસબારીના સૂત્રોએ જણાવ્યું કે, દૈનિક 600 ઉપરાંતની ઓપીડી નોંધાઇ રહી છે. જેમાં ખાસ કરીને સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

સિપુમાં તરાપાની મોટર લઇ 80 પાઈપથી પાણી ખેંચવાની કામગીરી
પાંથાવાડા : સિપુ ડેમમાંથી છેલ્લા કેટલાક દિવસથી તરાપા મોટરથી પાણી ખેંચી દાંતીવાડા તાલુકાના અને ધાનેરા તાલુકાના 67 ગામમાં પાણી પુરૂ પડાતું હતું. પરંતુ ત્યાં પણ પાણી ઓછું થતાં પંથકમાં છેલ્લા 4 દિવસથી પાણી પુરવઠા દ્વારા પાણીનો સપ્લાય બંધ છે. ત્યારે સિપુ ડેમમાં પાણીનો જે આરક્ષિત જથ્થો ડિપ લેવલ સુધી છે ત્યાં કિનારે તરાપાની મોટર લઇ 80 પાઈપથી પાણી ખેંચવાની કામગીરી હાથ ધરાઇ છે.

જેમાં 25 થી વધુ કામદાર જીવના જોખમમાં ડેમમાં વધ્યા ધટ્યા કાદવવાળા પાણી, કાંટા તેમજ કેડથી ઉપરના પાણી કે જ્યાં હોડી ચલાવવી મુશ્કેલ છે તેમાંથી પ્લાસ્ટિકની પીવીસી પાઈપ ખેંચી તરાપાની મોટર સુધી લઈ જઈને પાણી ખેંચવાના પ્રયત્ન હાથ ધર્યો છે.