રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે કેટલાક ભારતીય યુક્રેનમાં ફસાયા છે. જેમાં એક બાદ એક વિદ્યાર્થીઓ ઘરે પરત કર્યા નથી પહોંચી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વધુ બે વિદ્યાર્થીઓ પોતાના વતન પાલનપુરમાં પહોંચ્યા છે. વિદ્યાર્થી પોતાના ઘરે પહોંચતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો જંગ જામ્યો છે અને આ યુદ્ધનાં જંગમાં અનેક ભારતીયો યુક્રેનમાં અટવાયા છે. ત્યારે ભારત સરકાર દ્વારા ભારતીયોને પરત લાવવા મુહિમ હાથ ધરાઈ રહી છે. જેને લઇ હવે એક બાદ એક વિદ્યાર્થીઓ પરત માદરે વતન આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો જયરાજસિંહ રાજપૂત અને સ્મિત નામના વિદ્યાર્થીઓ વતન પહોંચ્યા છે.
જયરાજસિંહ રાજપૂત નામનો વિદ્યાર્થી છેલ્લા ત્રણ વર્ષથી એમબીબીએસના અભ્યાસ અર્થે યુક્રેનની વિનેચ્છીયા સિટીમાં રહેતો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જામતા યુક્રેનમાં રહેતા જયરાજ સિંહના પરિવાર પાલનપુરમાં ચિંતિત બન્યો હતો. છેલ્લા કેટલાય દિવસોથી પરિવારની ચિંતા બાદ આજે જયરાજસિંહ ઘરે પરત ફરતા ઘરના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પરિવાર તો ઠીક પરંતુ આડોશપાડોશના લોકો પણ ઘરે પરત ફરેલા જયરાજસિંહને જોઈ ખુશખુશાલ જોવા મળ્યાં હતા.
યુક્રેનથી પરત ફરેલા જયરાજસિંહનું કહેવું છે કે, અમે રોમાનિયા બોર્ડર સુધી પહોંચવા 20 કિલોમીટર ચાલ્યા હતા, જ્યાં બોર્ડર પર પણ ભીડ હોવાના કારણે 24 કલાક રોકાવવું પડ્યું હતું, ત્યારબાદ ભારતીય એમ્બેસી દ્વારા મદદ કરવામાં આવી હતી. બસ દ્વારા એરપોર્ટ પર લઇ જઇ ફલાઇટ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પાલનપુરના બ્રાહ્મણવાસ વિસ્તારમાં રહેતો સ્મિત જે બે માસ અગાઉ જ યુક્રેન એમબીબીએસના અભ્યાસ અર્થે પહોંચ્યો હતો અને ટૂંકા ગાળામાં જ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અટવાયો હતો. જોકે, યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અવારનવાર સ્મિતનો કોન્ટેક્ટ ન થતા પરિવાર ભારે ચિંતામાં હતો અને તેવામાં સ્મિત આજે પરત માદરે વતન આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્મિત ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના લોકોમાં હરખનાં આંસુ જોવા મળ્યાં હતા. તો પરિવાર દ્વારા તેમજ આસપાસના લોકો દ્વારા ઢોલ નગારા તેમજ ફટાકડા સાથે સ્મિતનું આગમન કરાયુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.