પાલનપુરમાં બિલ્ડરો ફસાયા:નક્શો રદ થતાં બાંધકામ અટકાવવા બિલ્ડરોને નોટિસ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવે નવેસરથી નકશો મંજૂર થયા બાદ જ બાંધકામ કરવા નગરપાલિકા દ્વારા તાકીદ
  • જેમને બાંધકામની મંજૂરીઓ આપી હતી તે બિલ્ડર્સને પાલિકા નોટિસ પાઠવાતાં બિલ્ડર એસો. મંગળવારે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરશે

પાલનપુરનો વિકાસ નકશો રદ થયા બાદ હવે બિલ્ડર લોબીમાં નિરાશા વ્યાપી ગઈ છે. જેમને બાંધકામની મંજૂરીઓ આપવામાં આવી હતી તે બિલ્ડર્સને કામ અટકાવી દેવા પાલિકા દ્વારા નોટિસ પાઠવાઈ છે. જે મામલે બિલ્ડર એસો. દ્વારા આગામી મંગળવારે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાશે.

પાલનપુર શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રની કમર તોડી નાખવા પાલનપુર નગર પાલિકાએ જાણે કમર કસી હોય એમ કેટલાક બાંધકામોને કામ બંધ કરવા નોટિસ પાઠવી દીધી છે. વિકાસ નકશો સરકાર દ્વારા રદ થતા હવે નવેસરથી નકશો મંજુર થયા બાદ જ બાંધકામ કરવા પાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે. જોકે પાલિકાની આ પ્રકારની હરક્તથી શહેરની બિલ્ડર લોબી ભારે ખફા થઈ છે અને તાત્કાલિક આ મામલે તમામ બિલ્ડરોએ બેઠકો કરી પાલિકાની આ પ્રકારની કુચેસ્ટા સામે લડી લેવા મન બનાવ્યું છે. એક બિલ્ડરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે સરકારમાં અને પાલિકામાં પૈસા ભરી ઓનલાઇન મંજૂરી મેળવી બાંધકામ કરી રહ્યા હતા. તેવામાં પાલિકાએ વિકાસ નક્શો રદ કર્યા હોવાનું જણાવી બાંધકામ અટકાવવા નોટિસ પાઠવી છે. હાલમાં કામ બંધ કરીએ તો જેમણે પોતાના ઘર બુકીંગ કરાવ્યા છે તેમની સાથે સંઘર્ષમાં ઉતરવું પડે તેવી નોબત સર્જાઈ છે.જેને લઈ અમે મુખમંત્રીને રૂબરૂ મળી લેખિત રજુઆત કરીશું."

અગાઉ કેટલાક બિલ્ડરો પાસેથી અલગ અલગ વિકાસ નક્શો બતાવી નાણાં ખંખેર્યા હતા
અત્યંત ભ્રષ્ટ નગરપાલિકા ગણાતી પાલનપુર નગરપાલિકાના શાસકોએ શહેરના કેટલાક બિલ્ડરોને જુદા જુદા નક્શાઓ બતાવીને ગ્રીન બેલ્ટ નંખાતો હોવાની દહેશત દર્શાવી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા.તે પૈકીના ભોગ બનનાર કેટલાક બિલ્ડરોએ હવે ઉઘરાણી પણ શરૂ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે.

પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી અને ભ્રષ્ટ કર્મીઓ સામે પગલાં લેવા માંગ
વિવાદાસ્પદ નક્શો આખરે રદ કરીને સરકારે મહત્વનો નિર્ણય તો લીધો છે. રાજ્યભરમાં સરકારની છબી ખરડાઈ છે તેવામાં ભ્રષ્ટ સાશકો સામે પગલાં લેવા અને લોકોને મુશ્કેલીમાં મુકનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જો આવા લોકો સામે પગલાં નહિ ભરવામાં આવે તો જલ્દી આંદોલન કરીશું તેવી ચીમકી પણ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...