ગઇકાલે તા. 1લી મે અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે 35 ગુજરાત બટાલીયન એન.સી.સી. પાલનપુરના કમાન્ડીંગ ઓફિસર કર્નલ રાજેશ નવારખેલેના માર્ગદર્શન હેઠળ એનસીસીના કેડેટ્સ દ્વારા પાલનપુર ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની સંસ્કૃતિ અને તેના ઇતિહાસની આગવી વિશેષતાઓને ઉજાગર કરતાં બેનરો સાથે આશરે 200 જેટલા એનસીસી કેડેટ્સ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી યોજાઇ હતી.
આ રેલી દરમિયાન સમગ્ર પાલનપુર શહેર વિસ્તારમાં આવેલી મહાપુરૂષોની પ્રતિમાની સાફ-સફાઇ કરી તેને સ્વચ્છ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસને અનુલક્ષી કમાન્ડીંગ ઓફિસરના માર્ગદર્શન હેઠળ “જય જય ગરવી ગુજરાત” વિષયના સંદર્ભે એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ સ્થળે કરવામાં આવ્યું હતું. જેના થકી રાષ્ટ્ર પ્રત્યેની એકતા અને અનુશાસનના એન.સી.સી.ના ધ્યેય વાક્યને સાર્થક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૂબેદાર મેઝર સરવનસિંગ અને તેમના પી.આઇ. સ્ટાફ તેમજ સ્કૂલ-કોલેજના એન.સી.સી. કો-ઓર્ડીનેટરોનું વિશેષ યોગદાન સાંપડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.