માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો:હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર 0 ડીગ્રી તાપમાનથી લોકો ઠૂઠવાયા, મેદાની વિસ્તારો સહિતનાં સ્થળોએ બરફના થર જામ્યા

એક મહિનો પહેલા
  • મેદાની વિસ્તારો, ઘરો, કારની છત, રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયો
  • પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત, લોકોનાં જનજીવન પર અસર
  • સૌરાષ્ટ્ર-કચ્છ, નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડ વેવ રહેશે

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં શિયાળાની કડકડતી અસર જોવા મળી રહી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો તેમજ આજે લઘુતમ તાપમાન 0 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ગગડી જવાને કારણે મેદાની વિસ્તારો સહિત અન્ય સ્થળોએ બરફના થર જામેલા જોવા મળ્યા હતા.

વિવિધ સ્થળોએ બરફ જામી ગયો
રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જ્યાં લઘુતમ તાપમાન 0 ડીગ્રી જોવા મળ્યું હતું. જોકે પારો ગગડ્યા બાદ મેદાની વિસ્તારો, ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત, રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયો હતો.

ચાની ચૂસકીઓથી ઠંડીને હરાવવાનો પ્રયાસ

હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ હવામાનની મજા માણી રહ્યા છે તેમજ બાળકો બરફ સાથે રમતા જોવા મળ્યાં હતાં. વહેલી સવારના પ્રવાસીઓ નખી લેકની ટૂર પર જતા જોવા મળ્યા હતા તેમજ ચાની ગરમ ચૂસકીઓની મદદથી ઠંડીને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ લોકોના જનજીવન પર અસર થઈ છે, લોકો લાંબા સમય સુધી ઘરમાં જ રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાનો આ પ્રકોપ આગામી દિવસોમાં વધુ વધે એવી શક્યતા છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે. એ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે. ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયા હતા. આજે સવારે પણ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.

ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડશે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ, નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડ વેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે. 10 ડીગ્રી તાપમાન રહે છે. નલિયામાં હાલમાં 5 ડીગ્રી તાપમાન છે. બાદમાં બે દિવસ નલિયામાં 6 ડીગ્રી તાપમાન રહેશે. હાલ અમદાવાદમાં 12 ડીગ્રી તાપમાન છે. તો આવતીકાલે 11થી 10 ડીગ્રી તાપમાન રહેશે. ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. તો બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડ વેવ રહેશે. ત્રણ દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.

આગામી 48 કલાકમાં કોલ્ડ વેવ શરૂ થશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડ વેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. અમદાવાદમાં શુક્રવારે 11.7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું, જે સામાન્ય કરતાં -2 ડીગ્રી ઓછું હતું, જેને કારણે શહેરમાં શીત લહેરનો અનુભવ શહેરીજનોને થયો હતો. મહત્તમ તાપમાન 26 ડીગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં -4 ડીગ્રી ઓછું હોવાથી દિવસે પણ લોકોએ ઠંડક અનુભવી હતી. આગામી ચારેક દિવસ સુધી લઘતમ તાપમાન 11થી 12 ડીગ્રી રહેશે. આમ, શહેરમાં શિયાળો જામ્યો હોય એવો માહોલ જોવા મળશે.

22 ડિસેમ્બર પછી પારો 11 ડીગ્રી સુધી ઘટી શકે

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઇ 22 ડિસેમ્બર નજીક ઉત્તર રાજસ્થાન અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં માવઠાની આગાહી છે. આ સિસ્ટમ વિખેરાઇ ગયા બાદ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીનો પારો 11થી 13 ડીગ્રી વચ્ચે પણ જવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...