શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકલક્ષી સુવિધાઓ, વિકાસકાર્યો અને ધર્મ-કલા-સંસ્કૃતિનાં પ્રચાર પ્રસાર માટે સમયાંતરે વિવિધ સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં અમદાવાદથી પ્રકાશિત થતા અતુલ્ય વારસો સામયિક સાથે સંકલન કરીને ‘અંબાજી વિશેષાંક’ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું આજે તા. 11 જાન્યુઆરી, 2022ના રોજ ગુજરાત રાજ્યના પ્રવાસન, યાત્રાધામ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના વરદ્દ હસ્તે તેમની કચેરીમાં, ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.
પ્રકાશિત થયેલા આ અંકમાં વિશેષ કરીને ગબ્બર ખાતે નવનિર્મિત 51 શક્તિપીઠ પરિક્રમા પથ વિશે વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અંબાજી મંદિરનાં ઈતિહાસ-ધર્મ-સંસ્કૃતિ, મંદિરની વાસ્તુકલા, યાત્રિકલક્ષી સુવિધાઓ, અંબાજી-દાંતા આસપાસના વિસ્તારમાં જોવા મળતો શિલ્પ-સ્થાપત્યકીય વારસો, દેવી શક્તિનું માહાત્મ્ય, સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
આ વિમોચન પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનાં અધ્યક્ષ અને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, વહીવટદાર એસ.જે.ચાવડા, સિવિલ ઈજનેર જી. એલ. પટેલ, પી.આર.ઓ. સિસ્ટમ ઓફિસર આશિષ રાવલ ઉપરાંત અતુલ્ય વારસોનાં તંત્રી કપિલ ઠાકર, રોનક રાણા અને અન્ય ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.