સન્માન:પાલનપુરમાં મંત્રી પ્રદીપ પરમારનું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન કરાયું

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમતા વિધાવિહાર સકુંલમાં મંત્રી પ્રદીપ પરમારના હસ્તે ગ્રંથાલયનું લોકાર્પણ અને પ્રયોગશાળાનું ખાતમૂર્હત થયું

પાલનપુર સમતા વિધાવિહાર સંકુલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપભાઇ પરમારનું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મંત્રી પ્રદીપભાઇ પરમાર અને બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે ગ્રંથાલયનું લોકાર્પણ અને પ્રયોગશાળાનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ.

મંત્રી પ્રદીપભાઇ પરમારે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લા વણકર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાલનપુર ખાતે ગરીબ બાળકોના અભ્યાસ માટે નિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલ જોઇને આનંદ થાય છે. બંધારણના ઘડવૈયા ર્ડા. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી વિધાર્થીઓ પ્રેરણા મેળવી આગળ વધી શકે તે માટે શાળાના પ્રાંગણમાં તેમનું સરસ સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે.

તેમણે આ સંકુલના દાતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, સમાજ માટે કરવામાં આવેલા સેવાકાર્યોથી આવનારી પેઢીઓને ખુબ મોટો ફાયદો થશે.સમાજના વિકાસ માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે ત્યારે આપણા બાળકોને સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સ્થાને પહોંચાડીએ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સપનાના રાષ્ટ્રના નિર્માણ માટે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી દેશને વિકસીત રાષ્ટ્રની હરોળમાં મુકીએ.

સાંસદ પરબતભાઇ પટેલે સમાજના આગેવાનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, સમાજ માટે કરેલું કામ હંમેશા ઉગી નિકળતું હોય છે. સમાજ માટે આજે કરેલી મહેનત આવતીકાલની પેઢીને આગળ લઇ જવામાં મદદરૂપ બનશે. તેમણે શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી ત્યારે શિક્ષણને પ્રાથમિકતા આપી આપણા બાળકો વચ્ચે દિકરી- દિકરાનો ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ અપાવીએ. આ 21મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ સમયમાં કોઇપણ વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ મેળવીને દરેક ક્ષેત્રમાં પ્રગતિના સોપાનો સર કરીને આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે, રાજયના છેવાડાના વિસ્તારના બાળકો પણ ભણી-ગણીને આગળ વધે તે માટે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર શાળાઓ, કોલેજો, આઇ.ટી.આઇ. અને કૌશલ્ય વર્ધન કેન્દ્રો સહિતની શિક્ષણ માટેની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે તેનો લાભ લઇ આપણા બાળકોને ભણાવીને તેમની આવતીકાલને સુખી અને સમૃદ્ધ બનાવીએ.

અન્ય સમાચારો પણ છે...