આદિજાતિ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરી કુંભારીયા આશ્રમશાળાની મુલાકાત લીધી હતી.
શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા યાત્રાધામ અંબાજી ખાતે મંત્રી નરેશભાઇ પટેલનું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ મંત્રીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. અંબાજી મંદિરના પુજારી દ્વારા તેમનું માતાજીની ચુંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
અંબાજી મંદિરમાં માતાજીના દર્શન બાદ મંત્રી નરેશભાઇ પટેલે વનવાસી ઉત્કર્ષ મંડળ, ભચડીયા સંચાલિત કુંભારીયા આશ્રમશાળાની મુલાકાત લઇ આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ.
તેમણે અધિકારીઓને સુચન કરતા જણાવ્યું કે, આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ કોઇપણ પ્રકારની સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તેની તકેદારી રાખીએ. આ વિદ્યાર્થીઓ શિક્ષણ, રમત-ગમત સહિતના તમામ ક્ષેત્રોમાં આગળ વધે તેવું વાતાવરણ પુરૂ પાડી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી આવતીકાલના સુખી- સમૃધ્ધ સમાજનું નિર્માણ કરીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.