તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Meet This 65 year old Woman From Banaskantha, Who Also Made Millions By Selling Milk During The Corona Period, Managing 250 Cows And Buffaloes.

દૂધ વેચીને પણ કરોડપતિ થવાય:મળો 65 વર્ષીય બનાસકાંઠાની આ મહિલાને, જેમણે કોરોનાકાળમાં પણ દૂધ વેચી કરોડોની કમાણી કરી, 250 ગાય-ભેંસોને સંભાળે છે

પાલનપુરએક મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • વડગામના નગાણા ગામનાં નવલબેન ચૌધરીએ રૂપિયા એક કરોડથી પણ વધુ દૂધ ભરાવીને પ્રથમ નંબરનો ખિતાબ મેળવ્યો
  • થોડાંક વર્ષો પહેલાં માત્ર 20થી 25 પશુ રાખતાં નવલબેન આજે 250 જેટલાં પશુ રાખે છે
  • રોજનું એક હજાર લિટરથી પણ વધુ દૂધ મંડળીમાં ભરાવે છે

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની હાલમાં યોજાયેલી સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું. પશુપાલનના આ વ્યવસાયમાં વડગામ તાલુકાના નગાણા ગામે રહેતી આ મહિલા વર્ષે લાખો નહીં, પરંતુ એક કરોડ રૂપિયાની કમાણી કરે છે.

નવલબેન ચૌધરીએ સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો
વડગામ તાલુકાના નગાણા ગામે રહેતાં નવલબેન ચૌધરી, જેમણે ગત વર્ષે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે, જેથી બનાસ ડેરી દ્વારા તેમને 25 હજાર રૂપિયાનું રોકડ તેમજ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો અવોર્ડ પણ આપ્યો છે. અત્યારે આ નવલબેનની ઉંમર 65 વર્ષથી વધુ છે, પરંતુ આજે પણ તેઓ સવારે 5 વાગે ઊઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલનનો બિઝનેસ.

રોજનું 1000થી 1200 લિટર દૂધ વેચે છે
આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખૂબ સરસ વિકસાવ્યો છે. થોડાંક વર્ષો પહેલાં માત્ર 20થી 25 પશુ રાખતાં નવલબેન આજે 250 જેટલાં પશુ રાખે છે. તેઓ રોજનું અત્યારે 1000થી 1200 લિટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. 8થી 9 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે અને આ વર્ષ 1 કરોડ 4 લાખ 15 હજારનું દૂધ ભરાવીને એશિયાની મોટી બનાસ ડેરીમાં દૂધ ભરાવવાનો ખિતાબ મેળવી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા 25 હજાર ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે
નવલબેનના ખેતરમાં પશુઓ માટે બે પાકા શેડ બનાવવામાં આવ્યા છે અને પશુઓ શેડમાં 24 કલાક ખુલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુદ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણને લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે 9.00 કલાકે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે એ દરમિયાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે એ માટે 5 એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલાં બધાં પશુઓને એકસાથે દોહવા માટે 12થી 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે.

મહિને 10 લાખ જેટલો પગાર આવે છે
નવલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે બધી મહિલાઓને મારી ઈચ્છા છે બહેનો આવી રીતે ઢોર રાખે કે બીજો ધંધો કરે તો આપણો પરિવાર સુખી થાય. શરૂઆતમાં અમારા જોડે 20થી 25 પશુ હતાં, ધીરે ધીરે 250 જેટલાં પશુ કર્યાં. ભેંસો દોઈ દોઈને મેં પશુઓ વધાર્યાં છે. દિવસનું 1000થી 1200 લિટર દૂધ આજે પણ થાય છે. મહિને 10 લાખ જેટલો પગાર આવે છે. આ વર્ષે મારે 1 કરોડ 5 લાખ રૂપિયા આવ્યા છે, જેથી પહેલો નંબર આવ્યો છે. બનાસડેરીમાં મને ખૂબ જ આનંદ થયો છે. ગામેગામ મારું નામ આવ્યું, જેથી મને ખૂબ જ આનંદ છે. હજુ પશુઓ વધારની મારી ઈચ્છા છે. મારી 65 વર્ષની ઉંમર છે, આજે પણ હું બધાં પશુઓનું ધ્યાન જાતે રાખું છું. મારા જોડે કામ કરવાવાળા લોકો છે, તેમને કારણે જ અમે આટલું કરી શક્યા છીએ.

પહેલાં 20થી 25 પશુ હતાં, ધીરે ધીરે અઢીસોથી વધુ પશુઓ થયાં
નવલબેન ચૌધરીનો તબેલો સંભાળનાર ચંદુભાઈએ જણાવ્યું હતું કે નગાણા ગામનાં નવલબેન ચૌધરીના તબેલામાં 250 જેવાં પશુ છે. રોજનું 1 હજારથી બારસો લિટર દૂધ ભરાવીએ છીએ. અમારી એવી ઈચ્છા છે કે 1800થી 2000 લિટર દૂધ ભરાવીએ. આ વર્ષે અમારું દૂધ ગયું છે 1 કરોડ 5 લાખનું. બનાસ ડેરીનો બનાસ લક્ષ્મી તરીકે અવોર્ડમાં નવલબેન ચૌધરીનો પ્રથમ નંબર બનાસ ડેરીમાં આવવાથી તેમને સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. તબેલો જ્યારથી નવલબેને ચાલુ કર્યો હતો ત્યારથી અમે કામ કરીએ છે. પહેલાં 20થી 25 પશુ હતાં, ધીરે-ધીરે અઢીસોથી વધુ પશુઓ થયાં છે. અમે 15થી 20 માણસો કામ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...