ખેડૂતોના માથે આફત:જિલ્લામાં માવઠું,પાકમાં ફૂગજન્ય રોગચાળની દહેશત

પાલનપુર,ડીસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરાદમાં કમોસમી વરસાદના કારણે પાણીના વ્હોળા રેલાયા  હતા. - Divya Bhaskar
થરાદમાં કમોસમી વરસાદના કારણે પાણીના વ્હોળા રેલાયા હતા.
  • ધાનેરામાં 3 મીમી, ડીસા અને ભાભર 1 મીમી વરસાદ, અન્યત્ર સામાન્ય વરસાદી છાંટા પડ્યા
  • ડીસા​​​​​​​ સહિત પંથકમાં બટાકા બેસવાની શરૂઆત થઈ છે ત્યારે વરસાદ થતાં ખેડૂતોના માથે આફત

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વાતાવરણ પલટાયું હતુ. જ્યાં ધાનેરા, ડીસા અને ભાભરમાં એકથી ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો. અન્યત્ર સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદના પગલે ખેતીના પાકોમાં ફુગજન્ય રોગચાળો આવતો હોઇ ખેડૂતોના ચહેરા ઉપર ચિંતાની લકીરો જોવા મળી રહી છે.

બુધવાર સવારથી જિલ્લામાં વિવિધ સ્થળોએ છાંટા શરૂ થયા હતા. આ અંગે પાલનપુર ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, 12 થી 2 વાગ્યાના સમય દરમિયાન ધાનેરામાં 3 મી.મી., જ્યારે 2 થી 4 વાગ્યા સુધીમાં ડીસા અને ભાભરમાં 1 મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય સ્થળોએ સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. શિહોરી વિસ્તારમાં બપોરે ઝરમર ઝરમર વરસાદ રહ્યો હતો. ખેડૂતોમાં એરંડા રાયડો અને અન્ય પાકોમાં નુકસાન થવાનો ભય છે. કંબોઇ જેવા મોટા વિસ્તારમાં ખેડૂતોએ મોંઘાભાવના બટાકાનું બિયારણ લાવી વાવણી કરેલ હતી.

ત્યારે જ વરસાદ પડતા વાવેતર ફેઈલ ગયું હતું.ભાભર તાલુકામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો બપોર બાદ ઝરમર વરસાદ ચાલુ થયો ઠંડા પવનના લીધે ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા.જ્યારે દાંતા અંબાજી પંથકમાં સાડા ત્રણ વાગ્યા બાદ ધુમ્મ્સ ભર્યું વાતાવરણ અને વરસાદી પોરા પડતા વાતાવરણમાં ઠંડકની લહેર પ્રસરી હતી.આ ઉપરા઼ત ડીસા તાલુકાના મુડેઠા સહિત ગ્રામીણ વિસ્તારમાં માવઠાના છાંટા થતાં ખેડૂતો ફરી એકવાર ચિંતામાં જોવા મળ્યા હતાં.

થરાદમાં કમોસમી વરસાદના કારણે પાણીના વ્હોળા રેલાયા હતા.
ડીસા પંથકમાં હાલમાં બટાકાના છોડમાં બટાકા બેસવાની શરૂઆત થઈ ગઈ છે તેમજ રાયડામાં પણ ફુલો બાદ ફળીઓ આવવા લાગી છે ત્યારે અચાનક જ હવામાન બદલાઈ જતાં મોલો મચ્છી આવવાની શકયતાઓ છે. આ અંગે રાણપુરના ખેડૂત જતીન જોષીએ જણાવ્યું હતું કે, ‘ચાલુ વર્ષે કુદરત રૂઠી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી રાયડામાં અને બટાકામાં રોગચાળો આવવાથી નુકશાન પહોંચી શકે છે.’

ખેડૂતોએ સુચન મુજબ દવાનો છંટકાવ કરવો
બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્ય વરસાદ પડે તેવી વકી છે. જે વરસાદ ખેતીના પાકો માટે ફાયદાકારક રહેશે. જો 10 ઇંચથી વધુ વરસાદ પડે તો જ ખેતીના પાકોને નૂકશાન થાય તેમ છે. જોકે, વાદળછાયા વાતાવરણથી ખેતીના પાકોમાં ફુગજન્ય રોગચાળો આવવાની શક્યતાઓ છે. ખેડૂતોને સૂચન મુજબ દવાનો છંટકાવ કરવો જરૂરી છે.
>: પી. કે. પટેલ (જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસકાંઠા)

ચોમાસા બાદ 4 થી વખત માવઠું થયું
ઉત્તર ગુજરાતમાં ચોમાસા બાદ અત્યાર સુધીમાં 3 વખત માવઠું થઇ ચૂક્યું છે. જેમાં ગત તા.20 નવેમ્બર બાદ ડિસેમ્બરની 1 તારીખે તેમજ 27-28 ડિસેમ્બરે માવઠું થયું હતું. જો કે, છુટાછવાયા વિસ્તારોમાં થયેલા માવઠાંના કારણે પાક નુકશાન બચી જવા પામ્યો હતો. વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર માવઠું થવાની શક્યતા છે.

સપ્તાહમાં 10 ડિગ્રી ઓછી ઠંડી અનુભવાઇ
સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે રહેતો હોય છે. પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડિગ્રી વધુ રહ્યો છે. બુધવારે વધુ સાડા 3 ડિગ્રી ઠંડી ઘટતાં મહેસાણાનું 18.4, પાટણનું 19.7, ડીસાનું 19.6, ઇડરનું 19.6 અને મોડાસાનું 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...