બનાસકાંઠાના શીહોરીમાં ગઈકાલે દાદી- પૌત્રની ગળુ કાપી નિર્મમ હત્યા કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. આરોપીની પત્નીને ભગાડી જતાં તેનું મનદુઃખ રાખી ભગાડી જનાર યુવકની માતા અને ભત્રીજાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે રામજી મંદિર પાસે ગઈકાલે વહેલી સવારે દાદી-પૌત્રનું ગળું કાપી નિર્મમ હત્યા થઈ હતી. જેમાં મૃતક સુશીલાબેન સાધુ તેમના બે દીકરાઓ પૈકી મોટો ચિરાગ તેની પત્ની સાથે સુરતમાં નોકરી કરતો હોઇ તેમના પૌત્ર ધાર્મિક દાદી સાથે રહેતો હતો. જ્યારે બીજો નાનો પુત્ર ઉમંગને 8 મહિના અગાઉ આરોપી મુકેશ રાવળની પત્ની સાથે પ્રેમ થઈ જતા બન્ને સાથે રહેતા હતા.
આ બનાવ બાદ મુકેશ રાવળ અવારનવાર સુશીલાબેનના ઘરે આવી ધાક ધમકી આપતો હોવાથી ઉમંગ તેની પ્રેમિકાને લઈ જૂનાગઢ રહેવા જતો રહ્યો હતો. આ દરમિયાન પત્નીને ભગાડી જવાનું મનદુખ રાખી ગઈકાલે મુકેશ રાવળ શિહોરી ખાતે મૃતકના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તીક્ષણ હથિયાર વડે સુશીલાબેન અને તેમના પૌત્ર ધાર્મિકનું ગળું કાપી નિર્મમ હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવને પગલે પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગસ્કોડ તેમજ એફ.એસ.એલ.ની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટેકનોલોજીની મદદથી આરોપી મુકેશ રાવળને મહેસાણાના શંખેશ્વરથી ઝડપી પાડ્યો છે. શિહોરી પોલીસે હત્યારાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાસકાંઠા ડી.વાય.એસ.પી., જે.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, શિહોરી પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક દ્રષ્ટિએ સકદાર તરીકે મુકેશ કાનજીભાઈ રાવળનું નામ ફરિયાદીએ આપ્યું હતુ. જેથી સ્થાનિક તેમજ મહેસાણાની પોલીસની મદદ મેળવી આજે મુકેશ રાવળને ઝડપી લેવામાં આવ્યો છે. જેણે ગુનાની કબુલાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.