હિટ એન્ડ રન:ઇકબાલગઢ ચેખલાના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને મારી ટક્કર, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, એક ઈજાગ્રસ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • અમીરગઢ પોલીસે અકસ્માત બાદ ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી
  • બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનું મોત નિપજ્યું

બનાસકાંઠામાં પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર બુધવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઈકબાલગઢ ચેખલાના પાટિયા પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ વાહનચાલક નાસી ગયો હતો. પોલીસે ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ચેખલાના પાટિયા પાસે નેશનલ હાઇવે પર કાળી ચૌદશની મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈક સવાર બે યુવકો નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

આ બનાવને પગલે આજુબાજુના લોકો પહોંચી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અમીરગઢ પોલીસે અકસ્માત બાદ ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...