તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:બનાસકાંઠામાં મકાઇના પાકમાં ઇયળોનો ઉપદ્રવ

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર,દાંતા,વડગામ અને અમીરગઢમાં ઇયળો મકાઇના પાંદડા અને ડુંડા ખાતાં નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં એક તરફ વરસાદ ખેંચાતા બિન પિયત વિસ્તારમાં ખેતીના પાક મુરજાઇ રહ્યા છે.તો બીજી તરફ પાકમાં ઇયળો સહીતના જીવજંતુઓનો ઉપદ્ધવ વધી જતાં ખેડૂતોની સ્થિતિ પડતાં ઉપર પાટું જેવી થવા પામી છે. જ્યાં જીલ્લામાં વર્તમાન સમયે મકાઇના પાકમાં ઇયળોનો ઉપદ્વવ વધતાં ઉત્પાદન ઉપર વ્યાપક અસર થવાની ભિતી સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા કુલ 607212 હેકટર જમીનમાં વિવિધ ખેતીના પાકોનું વાવેતર કર્યું છે. જોકે, વરસાદ ખેંચાતા બિન પિયત 70,000 હેક્ટરમાં ઉભેલો પાક મુરજાઇ રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ખેતીના પાકોમાં ઇયળો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી જતાં ખેડૂતોની સ્થિતિ પડતાં ઉપર પાટુ જેવી થઇ રહી છે. જ્યાં પાલનપુર, દાંતા, વડગામ અને અમીરગઢ પંથકમાં મકાઇના પાકમાં વર્તમાન સમયે ઇયળોનો ઉપદ્રવ ખુબ વધી જવા પામ્યો છે.

આ અંગે પાલનપુરના વાસણ (ધા)ના ખેડૂત હરિજી ઠાકોરે જણાવ્યું કે, 3 એકરમાં મકાઇ વાવી છે. જેમાં ઇયળો પડતાં પાંદડા તેમજ ડુંડા ખાઇ જતી હોવાથી મોટુ નુકશાન થઇ રહ્યું છે. જેની ઉત્પાદન ઉપર અસર થવાની ભિતી છે.

ઇયળોના ઉપદ્રવના નિયંત્રણ માટે આટલું કરવું
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, ઇંડા સમૂહ અને જુદીજુદી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી એકત્ર કરી કીટનાશકના દ્બાવણમાં ડુબાડી નાશ કરવો.બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર 20 ગ્રામ અથવા બેવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર 40 ગ્રામ અથવા લીમડાનું તેલ 30 મીલી, કપડા ધોવાનો પાવડર 10 ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક એઝાડીરેકટીન -1500 પીપીએમ 40 મીલી પૈકીની કોઇપણ એક જૈવિક વનસ્પતિ જન્ય દવા 10 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો, જોકે, મોટાભાગના ખેડૂતો મમરીનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

13761 હેકટર જમીનમાં મકાઇનું વાવેતર
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં 3054, દાંતામાં 9741, પાલનપુરમાં 82 હેકટર અને વડગામ તાલુકામાં 884 હેકટર જમીનમાં મકાઇનું વાવેતર કરવામાં આવ્યું છે.
માર્કેટયાર્ડમાં 192.8 મેટ્રીક ટન મકાઇની આવક
પાલનપુર માર્કેટયાર્ડમાં વર્ષ 2020-21માં વિવિધ ખેતીની ઉપજની આવક થઇ હતી. મકાઇની આવક 192.8 મેટ્રીક ટન થયાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...