જિલ્લામાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજોમાં 15 વર્ષ અગાઉ ગ્રામિણ વિસ્તારોમાં લગ્નની જાન રાત્રે લઇ જવાનો રિવાજ હતો. જોકે, તેમાં હવે બદલાવ આવ્યો છે. દિવસે લગ્ન પ્રસંગો ઉજવાઇ રહ્યા છે. સાથે સાથે ચોરીમાં દીકરીને કરીયાવરમાં ધાર્મિક પુસ્તક સાથે તુલસીનો છોડ, તલવાર સહિતની ચીજવસ્તુઓ આપવાનો નવો રિવાજ પણ શરૂ થયો છે.
પાલનપુર તાલુકાનું નાનકડું ગામડું જ્યાં રાત્રે 10. વાગે ગામના ઝાંપે બેનાળી બંદુકમાંથી ફાયરીંગ કરવામાં આવે તેનો અવાજ સાંભળી કન્યાપક્ષના લોકોને ખબર પડે કે હવે જાન આવી ગઇ છે. તેમનું ઝાંપે જ ફાનસના અજવાળે સામૈયું કરવામાં આવે અને ત્યાંથી જાનને ઉતારે લઇ જવામાં આવે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે જાનૈયાઓ સીધા ખાટલા ગોદડા શોધી પથારી ભેગા થઇ જાય, વહેલી સવારે ત્રણ વાગે વરને જગાડવામાં આવે અને તોરણે કરી ચાર વાગ્યા સુધીમાં ચાર ફેરા ફેરવી દેવામાં આવે અને જાનને વિદાય આપવામાં આવે આ હતો.
15 વર્ષ અગાઉનો રિવાજ. પણ હવે તેમાં બદલાવ આવી ગયો છે. હવે વહેલી સવારે 6.00 વાગે જાન નીકળી જાય બપોર સુધીમાં વરઘોડીયા પરણી જાય અને સાંજે ઘરે પરત આવે છે. હવે ચોરીમાં દીકરીને પુસ્તક, છોડ, તલવાર, પાણીના કુંડા આપવાનો નવો રિવાજ પણ આવ્યો.
જલોત્રામાં દીકરીને પુસ્તક, છોડ અપાયા
જલોત્રા ગામમાં ઠાકોર પરિવારમાં અનોખી પહેલ કરાઇ હતી. જ્યાં મહેશભાઈ ભેમજીભાઈ ઠાકોરેએમના કાકાની દીકરી નેહલબા ના લગ્ન પ્રસંગે નિમીતે ક્ષત્રિય પરંપરાગત હીન્દુ ધર્મ ના રક્ષણ કાજે તલવાર તથા ધર્મ ના માર્ગદર્શન પુસ્તક એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા આધુનિક સમયને ધ્યાનમાં રાખીને કલમ, કુતરા,પક્ષીઓ માટે ચાટ તથા કુંડા અપાયા હતા.
શા માટે રિવાજ બદલાયો
પાલનપુર ચોવીસી ઠાકોર ઝલાના પ્રમુખ મોતીજી ઠાકોરે જણાવ્યું કે, પરંપરાથી રાત્રે લગ્ન કરવાનો રિવાજ હતો.ઠંડીના કારણે હેરાન થવું પડતું હતુ. સુવા માટે ખાટલા અને ગોદડા આજુબાજુના ગામડાઓમાંથી લાવવા પડતાં હતા. પ્રસંગને માણી શકાતો ન હતો. વળી અંધારામાં અનેક બાળલગ્નો પણ થઇ જતાં હતા. જોકે, નવી પેઢી હવે જાગૃત થઇ છે. ધામધુમથી પ્રસંગ ઉજવાય તે માટે 15 વર્ષથી રિવાજ બદલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.