સજા:પાટણમાં યુવતીને લગ્નની ખાતરી આપી દુષ્કર્મ કરનાર યુવકને 7 વર્ષની સખત કેદ

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઠ વર્ષ જૂના કેસમાં પાટણ સેસન્સ કોર્ટનો ચૂકાદો, સહ આરોપીને છોડી મૂકાયો

પાટણ શહેરની એક યુવતીને લગ્નની ખાતરી આપી પોતે પરિણીત હોવા છતાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધાક-ધમકીથી શરીર સંબંધ- દુષ્કર્મ કરવા અંગેના કેસમાં યુવકને અત્રેની સેસન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સખત કેદ અને રૂપિયા પાંચ હજાર દંડની સજા ફરમાવી હતી. તેમજ ભોગ બનનાર યુવતીને યોગ્ય રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. કોર્ટે સહ આરોપીને છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

પાટણ શહેરના રહીશ તરુણ બાબુલાલ મોદી અને શહેરમાં રહેતી યુવતી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આ દરમિયાન વર્ષ 2010થી 2013 દરમિયાન તરુણ મોદીએ યુવતીને લગ્નની લાલચ આપી, અશ્લીલ ફોટા વાયરલ કરવાની, જાનથી મારી નાખવાની અને મોઢા પર એસિડ છાંટવાની ધમકી આપી ગાયત્રી મંદિર પાસેની સોસાયટીમાં ચંદ્ર મૌલી ઉર્ફે ચંદુ નરેન્દ્ર કુમાર શર્મા રહે ગીતા સોસાયટીના ઘરે લઈ જઈને શરીર સંબંધ કર્યો હતો.

આ સમયે ચંદુ ઘર બંધ કરીને જતો રહ્યો હતો. આ પછી મહેસાણા ખાતે હોટલમાં લઇ જતા યુવતીએ લગ્ન કરી લેવાની વાત કરતા તેણે મંગળસૂત્ર પહેરાવી દીધું હતું અને લગ્ન કરી લીધા હોવાનું જણાવી શરીર સંબંધ કર્યો હતો. આ પછી બે વર્ષે તરૂણે અન્ય યુવતી સાથે લગ્ન કરેલા હોવાનું ધ્યાનમાં આવતા આખરે તેણીએ પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં તરુણ મોદી અને ચંદ્ર મોલી શર્મા સામે ગુનો નોંધાવ્યો હતો.

આ કેસ મંગળવારે શહેરના પ્રિન્સિપલ સેશન્સ જજ ડી એ હિગુ સમક્ષ ચાલી જતાં મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરની દલીલો બાદ આરોપી તરુણ મોદીને ઈપીકો કલમ 376 ના ગુનામાં સાત વર્ષની કેદ અને રૂપિયા પાંચ હજાર દંડ ન ભરેતો વધુ છ માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે ચંદ્રમૌલી શર્માને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો હતો. કોર્ટે ભોગ બનેલ યુવતીને યોગ્ય રકમનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...