દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત શુક્રવારે પાંથાવાડા માર્કેટયાર્ડમાં રૂ.80 હજારનો રાયડો વેચી માર્કેટયાર્ડના ગેટ પાસે ઘરે પરત જવા જીપમાં બેસી જતાં હતાં ત્યારે મુસાફરના સ્વાંગમાં બેઠેલી અજાણી મહિલાએ ખેડૂતના ખિસ્સામાંથી રૂ.50 હજાર સેરવી લીધા હતા. જેની જાણ ખેડૂતે પાંથાવાડા પોલીસ મથકે અજાણી મહિલા સહિત જીપચાલક સામે ગૂનો નોંધાવ્યો હતો.
દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત ગણેશભાઈ ગોગાભાઈ રબારી ગુરુવારે રાયડાનો પાક પાંથાવાડા ગંજ બજારમાં વેચી 80 હજાર રૂપિયા લઇ પોતાના ઘર જવા માર્કેટયાર્ડના ગેટ પાસે ઉભા હતા. ત્યાર કમાન્ડર જીપ આવી અને તેમાં એક મહિલા દુપટ્ટો બાંધી બેઠી હતી. ત્યારે ખેડૂત આ જીપમાં બેસતા તેની નજર ચૂકવી રૂ.50,000 મહિલાએ સેરવી લઈ ગાડી ચાલકે ખેડૂતને પાંથાવાડા હાઇવે પાસે ઉતારી ગાડી ગુંદરી તરફ ભગાડી મૂકી હતી.
જોકે ખેડૂત દ્વારા ગાડીમાંથી નીચે ઉતરી જોતા પોતાની પાસે રહેલા રૂ.80 હજાર ચેક કરતા એક ખિસ્સામાં રહેલા 50 હજાર ન હતા અને તેમની પાસે 30 હજાર જ મળ્યા હતા. ખેડૂતનો પણ જીવ તાળવે ચોંટી ગયો હતો અને પોતાની આકરી મહેનતની કમાણીના પેસા એક પલમાં ગઠીયાએ સેરવી લેતા ખેડૂતે પાંથાવાડા પોલીસ મથકે અજાણ્યા જીપ ચાલક અને મહિલા સામે ગુનો નોંધાવતા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.