તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંચય:બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે તે માટે ચાર યુવાઓએ શરૂ કર્યો અનોખો સેવા યજ્ઞ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક એક ટીપાનો સંગ્રહ કરી જિલ્લાને પાણીદાર બનાવવાનું ધ્યેય

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાંથી પ્રેરણા મેળવી વરસાદના પાણીના એક-એક ટીંપાની ચિંતા કરી જળ સંગ્રહ કરવાનું બિડુ ઝડપ્યું છે બનાસકાંઠા જિલ્લાના ચાર યુવાનોએ. દિવસે દિવસે પાણીના તળ ઉંડા જઇ રહ્યાં છે ત્યારે સિંચાઇ, ખેતી અને પશુપાલન માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારી જળ ભંડારો સમૃધ્ધ બનાવવા જરૂરી છે. ખેતરનું પાણી ખેતરમાં રહે, સીમનું પાણી સીમમાં રહે અને ગામનું પાણી ગામમાં રહે તે માટે સરકારના જળ સંચય અભિયાનના સથવારે પાલનપુર અને વડગામ તાલુકાના ચાર યુવાઓ ભરતભાઈ કરેણ, ગુલાબસિંહ પરમાર અને સરદારભાઈ ચૌધરી તેમજ તલાટી કમ મંત્રી હિરલબેન ભટોળ આ ચાર યુવાઓની ટીમ જળ સંચય અને ભૂગર્ભ જળ ઉંચા લાવવા લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યાં છે તેમની સાથે હવે બીજા ખેડુતો પણ જોડાઇ રહ્યાં છે. વરસાદી પાણી એ પ્રભુનો પ્રસાદ છે. આ વાતને સાર્થક કરવા બનાસકાંઠા જિલ્લાના ચાર યુવાનોની ટીમે વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચય કરવા જૂના પડતર અને અવાવરૂ કુવા તેમજ બંધ પડેલા ટ્યુબવેલમાં પધ્ધતિસરની સીસ્ટમ ગોઠવી વરસાદનું પાણી વાળી કુવાઓ અને ટ્યુબવેલ રીચાર્જ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારી જળ સ્તર ઉપર લાવવાનો તેમણે રીતસર સેવાયજ્ઞ આદર્યો છે.

આ ચાર યુવાનોની ટીમ સોશિયલ મીડિયાના માધ્યમથી તથા વિવિધ ગામડાઓમાં ખેડૂત સભાઓ યોજી પ્રોજેક્ટર મારફતે કુવા અને ટ્યુબવેલમાં કઈ રીતે પાણી વાળવુ અને કુવા અને ટ્યુબવેલ રીચાર્જ કરવાથી શું ફાયદા થાય છે તેની પધ્ધતિ સમજાવી અને તેના વિશે ખેડુતોને સચોટ માર્ગદર્શન પુરૂ પાડી રહી છે. આ સેવાકાર્ય કરતી ટીમે એક મુલાકાતમાં જણાવ્યું કે, આ ભગીરથ કાર્ય કરવાની પ્રેરણા રાજ્ય સરકારના જળ સંચય અભિયાનથી તેમજ અમારા જાત અનુભવથી મળી છે. તેમણે કહ્યુ કે, ભૂગર્ભ જળ ભંડારો સમૃધ્ધ બનાવી બનાસકાંઠા જિલ્લાને પાણીદાર જિલ્લો બનાવવા સરકારશ્રી દ્વારા સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવે છે તેવી જ રીતે અમે પણ ચાર યુવાનોએ નક્કી કર્યુ છે કે અમારી પણ આ રાષ્ટ્ર ના એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ છે કે આવતીકાલની પેઢીને સમૃધ્ધ જળ ભંડારો આપીએ.

ફતેપુર ગામના ખેડુત અને આ ટીમના સભ્ય ગુલાબસિંહ પરમારે જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવા તથા સિંચાઇના પાણીની વ્યવસ્થા માટે મેં મારા પચ્ચીસ થી ત્રીસ વર્ષ જૂના બંધ કુવામાં ચોમાસાનું વરસાદી પાણીનું વહેણ વાળી કુવાને રીચાર્જ કરવાનું શરૂ કર્યુ, જેનાથી મુખ્ય ફાયદો એ થયો છે કે, મારા ગામમાં સૌથી જુનો મારો ટ્યુબવેલ ચાલુ હાલતમાં છે અને ગામમાં સૌથી વધુ પાણી પણ આ ટ્યુબવેલમાં છે. જે નસીબની વાત નથી, પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારી કુવો રીચાર્જ કરવાનો સીધો લાભ થયો છે. ટીમના બીજા સભ્ય સરદારભાઈ ચૌધરી જણાવ્યું કે, અમને જાણવા મળે કે કોઈ ખેડૂતના ખેતરમાં જુનો કુવો અથવા બંધ પડેલ ટ્યુબવેલ છે, તો તે વ્યક્તિની મુલાકાત લઇ તેમને સમજાવી કુવા રીચાર્જ કરવાથી શું ફાયદા થાય છે તેમજ કેટલાં પાણીનો આવરો છે તે અનુસંધાને પાણીના શુધ્ધિકરણ માટે કુંડી અને કુંડીની અંદર નાની કપચી, મોટા કાંકરા અને બે અલગ- અલગ પડમાં જાળી નાંખી અને ચારકોલ આ તમામ નાખવાની રીત અને કુંડી થી કુવા કે ટ્યુબવેલ સુધીની કેટલી સાઈઝની કેટલી ઉંડી પાઈપ નાખવી તેની વિગતે અમે સમજ આપીએ છીએ.

આ કુવા રિચાર્જ સિસ્ટમ માટે લોકોને તૈયાર કરવાનું કામ અઘરું હોય છે પરંતું અશક્ય તો નથી જ, એમ માની અમે આ કામ કરીએ છીએ. આ કામમાં ખેડુતો જોડાતા હવે અમને ધીરે ધીરે સફળતા પણ મળી રહી છે. ટીમના ત્રીજા સભ્ય ભરતભાઈ કરેણે જણાવ્યું કે પરિશ્રમરૂપી પારસમણીથી વરસાદી પાણીનું એક-એક બુંદ જમીનમાં ઉતારવું એ અમારું ધ્યેય છે. આ કામ હમણાં અમે પાલનપુર અને વડગામ તાલુકાઓના ગામોમાં શરૂ કર્યું છે. ધીમે ધીમે સમગ્ર જિલ્લામાં આ રીતે ભૂગર્ભ જળ સંચયના કામો કરી જળ સ્તર ઉંચા લાવવા લોક જાગૃતિનું કાર્ય કરીએ છીએ અને કરતા રહીશું.

ફતેપુર ગામના ખેડૂત હરીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ ચાર યુવાનોની ટીમે મને સચોટ માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી છે. હાલમાં મારા ટ્યુબવેલમાં પાણી નથી. એમના કહેવા પ્રમાણે મેં ટ્યુબવેલ રીચાર્જ માટેની વ્યવસ્થા ગોઠવી છે અને મને આશા છે કે, આ ચોમાસામાં સારો વરસાદ પડશે ત્યારે વરસાદ પાણીને ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવાનું કાર્ય કરીશ જેનાથી આવનારા સમયમાં મને ખૂબ જ ફાયદો થશે. આ ટીમના મહિલા સભ્ય અને પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામના તલાટી કમ મંત્રી હિરલબેન ભટોળે જણાવ્યું કે, અમારી ટીમે નિર્ધાર કર્યો છે કે, આ વર્ષે અમારા ગામમાં જળ સંચયનું કાર્ય સો ટકા પૂર્ણ થાય તે દિશામાં કામગીરી ચાલુ છે.આ ગામના જુના કુવા અને ટ્યુબવેલ રીચાર્જ કરવા માટે એક પણ રૂપિયો ખેડૂતોને ખર્ચવો ન પડે તે રીતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં એક કુવો કે બોરવેલ રીચાર્જ પાછળ રૂપિયા દસ થી પંદર હજાર ખર્ચ થાય છે, જેમાં વરસાદી પાણીને સીધુ કુવામાં જવા દેવાતુ નથી પરંતું તેને શુધ્ધિકરણ માટે કુંડી અને કુંડીની અંદર કપચી, કાંકરી, મોટા કાંકરા, એસ.એસ.જાળી બે નંગ અને ચારકોલની જરૂર પડે છે તેનો તમામ ખર્ચ અમારી ટીમ દ્વારા આપવામાં આવે છે અને આ કાર્યમાં વૈભવી શૈક્ષિણીક મહિલા બાળ વિકાસ દ્વારા અમને આર્થિક મદદ પણ મળે છે. આ વર્ષથી સરકારની મનરેગા યોજના અંતર્ગત પણ આ કાર્યમાં મદદ મળશે જેથી અમારા કાર્યને વધુ વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...