આને કહેવાય પ્રેમ...:કન્યાની હઠ હતી કે થનારા પતિદેવ કારમાં નહીં, હેલિકોપ્ટરમાં જાન લઈને આવે; વરરાજા 20 લાખનો ખર્ચ કરીને રાજસ્થાનથી ડીસા લેન્ડ થયા!

પાલનપુર12 દિવસ પહેલા
  • હેલિકોપ્ટરનું લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરાયું

લગ્નમાં લક્ઝુરિયસ ગાડીઓમાં આવતી જાન તો સૌએ જોઈ હશે, પરંતુ હવે ધીરે ધીરે હેલિકોપ્ટરમાં જાન લઈને આવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવા જ ઠાઠમાઠ સાથે ડીસાના પઢિયાર પરિવારમાં દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા, જેમાં વરરાજો જાનમાં લાલ મોટરમાં ગુલાબી ગજરો લઇને નહીં, પરંતુ હેલિકોપ્ટર લઇને આવ્યો હતો. ડીસાના પઢિયાર પરિવારની દીકરીની જીદ પૂરી કરવા માટે રાજસ્થાનના આબુ રોડ વિસ્તામાંથી વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઇને ડીસા આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતા જોવા માટે આજુબાજુના વિસ્તારોના લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.

માલી સમાજના પરિવારે શાહી લગ્ન કર્યા
રાજસ્થાનના આબુ રોડ ખાતે રહેતા માલી સમાજના પરિવારે શાહી લગ્ન કર્યા છે. રાજસ્થાનના માળી પરિવારનો સુરેન્દ્ર રાઠોડ આજે પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતાં આજુબાજુના લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

હની પઢિયારની જીદ પૂરી કરવા વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈ આવ્યો
ડીસાની યુવતી હની પઢિયારની જીદ હતી કે તેનો થનારો પતિ લગ્ન કરવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ આવે. ત્યારે સુરેન્દ્ર રાઠોડ તેની ફિયાન્સી હનીની જીદ પૂરી કરવા માટે 20 લાખનો ખર્ચો કરી હેલિકોપ્ટર ભાડે કરી જાન લઇ ડીસા આવ્યો હતો, જેનું લેન્ડિંગ ડીસાની અંતરા હોટલના ગ્રાઉન્ડમાં કરાયું હતું.

દ્વારકાના સણખલા ગામમાં પણ હેલિકોપ્ટરમાં જાન આવી હતી
ઉલ્લેખનીય છે કે જૂનમાં સૌરાષ્ટ્રના નાનાએવા ગામમાં પણ એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને પરણવા આવ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના સણખલા ગામમાં હેલિકોપ્ટરમાં લગ્નની જાન આવી પહોંચતાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોવા માટે ઊમટી પડ્યાં હતાં. એટલું જ નહીં, જાન આવતાંની સાથે વરરાજા પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો અને એને લેવા માટે લક્ઝુરિયસ કારનો કાફલો પણ હતો.

અન્ય સમાચારો પણ છે...