રજૂઆત:ડીસામાં આમ આદમી પાર્ટીએ ખાતરના ભાવમાં થયેલો વધારો પરત ખેંચવા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારો પરત નહી ખેંચાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

ડીસા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ખાતરના ભાવમાં વધારાને લઇને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ ખાતરનો ભાવ વધારો પરત લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી

કેન્દ્ર સરકાર દ્વારા 7 એપ્રિલ 2021ના રોજ રાસાયણિક ખાતરના ભાવમાં 50 ટકાથી 60 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ડીએપી ખાતરના 1200 રૂપિયાથી વધીને 1900 રૂપિયા થવાના હતા અને એનપીકે ખાતરના 1185 રૂપિયાથી વધાને 1800 રૂપિયા થવાના હતા. ઉપરાંત એએસપી ખાતરના 975 રૂપિયાથી વધીને 1350 થવાના હતા. એ વધારાનો ખેડૂતો અને ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા સખ્ત વિરોધ કરાયો હતો. જ્યારે સરકાર દ્વારા ખેડુત સંગઠનો અને રાજકીય પક્ષોના વિરોધને ધ્યાનમાં રાખીને 9 એપ્રીલ રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવ વધારાનો બોજો ખેડુતો પર નહી પડવા દેવાય અને સરકાર દ્વારા સબસિડીની રકમ વધારીને સરભર કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે સરકારે ફરીથી અચાનક ખાતરના ભાવોમાં વધારો કરીને ખેડુતોની કમર તોડી નાખી છે. જેનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી આજે બુધવારે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ તાત્કાલિક અસરથી ખાતરના ભાવમાં વધારાને પરત લેવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જો સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે આ આવેદનપત્ર પાઠવવાના પ્રસંગે પ્રદેશ કક્ષાનાં આગેવાનો સહીત ડીસા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...