કાર્યવાહી:ડીસામાં ઘરમાં જ ગર્ભપાતની અને પ્રતિબંધિત દવા રાખતો યુવક ઝડપાયો

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી તુષાર હિમતલાલ ઠક્કર - Divya Bhaskar
આરોપી તુષાર હિમતલાલ ઠક્કર
  • રાત્રે 10 વાગે ડ્રગ્સ વિભાગે ઘરમાં તલાશી લેતા બેડરૂમમાંથી દવાનો જથ્થો મળ્યો

ડીસામાં ઘરમાં જ ગર્ભપાતની અને પ્રતિબંધિત દવા રાખતા તુષાર હિમતલાલ ઠક્કર સામે પાલનપુર ડ્રગ્સ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારે રાત્રે 10 વાગે ડ્રગ્સ વિભાગે ઘરમાં તલાશી લેતા બેડરૂમમાંથી દવાનો જથ્થો મળ્યો હતો, બાદમાં દક્ષિણ પોલીસે નારકોટિક્સ એક્ટ હેઠળ પૂછપરછ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ડીસાના અમૃતનગર, વિસ્તારમાં રહેતા તુષાર હિમતલાલ ઠક્કર નામનો યુવક ગર્ભપાત કરાવતી અને નારકોટિક્સ એક્ટ હેઠળ આવતી પશુઓના દૂધમાં વધારો કરતા ઓક્સીટોસીનના પ્રતિબંધિત દવાનો જથ્થો કોઈ પણ મંજુરી વિના વેચાઈ રહ્યો હોવાની આસી. ડ્રગ્સ કમિશ્નર મનોજ ગઢવીને ખાનગી બાતમી મળી હતી જે બાદ સીજે પટેલ સહિતની ટીમે રાત્રે દસ વાગે તુષાર ઠક્કરના ઘરે પહોંચી હતી અને પહેલા પૂછપરછ હાથ ધરી હતી. જોકે તુષારે ગલ્લા તલ્લા કરી ટીમને ગેરમાર્ગે દોર્યા હતા. જે બાદ ડ્રગ્સ વિભાગની ટીમે આકરી કામગીરી કરી ઘરના છેલ્લા રૂમમાં બેડ નીચે સંતાડેલા થેલાઓમાં જુદા જુદા બોક્સ ચેક કરતાં જ દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.

આ અંગેની વિગતો આપતા આસી.કમિશ્નર મનોજ ગઢવીએ જણાવ્યું હતું કે " તુષાર ઠક્કર અગાઉ પાટણમાં દવાની દુકાનમાં કામ કરતો હતો. તેની પાસેથી ગર્ભપાતની દવાઓ ઉપરાંત નશાકારક દવાઓ તેમજ ઓક્સીટોસિન દવાઓ મળી આવી છે. તેની પાસેથી કોઈપણ દવા ના બિલ મળ્યા નથી તે બિલ વગર દવા લઈ આવતો હતો અને બિલ વગર જ દવાઓનું વેચાણ કરતો હતો. નશાકારક દવાઓ એનડીપીએસ એક્ટ હેઠળ આવતી હોવાથી તે સંબંધિત પોલીસ કાર્યવાહી દક્ષિણ પોલીસ મથકે કરવામાં આવી રહી છે જેમાં તેની અટક કરાઈ હતી.

કેટલી દવા ઝડપાઈ
કઈ કઈ દવા - કેટલો જથ્થો
ક્લીન કીટ - 380 કીટ
એન્ટિ પ્રેગ કિટ - 236 કીટ
લેબલ વગરના ઓક્સીટોસીન - 688 બોટલ
કુલ કિં.3,30,388/-

અન્ય સમાચારો પણ છે...