કોરોના રસીકરણ:બનાસકાંઠાની 272 ખાનગી શાળામાં રસી લીધા પછી 15 ટકા છાત્રો ગેરહાજર રહ્યા

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જીલ્લામાં 15 થી 18 વર્ષના છાત્રોને કોરોના રક્ષણ માટે રસી આપવામાં આવી રહી છે. જેમાં રસી લીધા પછી હાથના દુ:ખાવાના કારણે છાત્રો શાળાએ આવી રહ્યા નથી. જિલ્લાની 272 ખાનગી શાળામાં આવા છાત્રોની 15 ટકા જેટલી ગેરહાજરી રહે છે. જોકે, સરકારી શાળાના એકપણ છાત્રને હાથનો દુ:ખાવો ન થતાં પુરેપુરી સંખ્યામાં શાળાએ આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં 15 થી 17 વર્ષના બાળકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચાર દિવસમાં બાળકોને શાળામાં રસી અપાઇ છે. જોકે, રસી લીધા પછી તેની આડ અસરના કોઇ કેસ સામે આવ્યા નથી. પરંતુ ઇન્જેકશનની સોયના કારણે હાથ દુ:ખતો હોય તેવું છાત્રો જણાવી રહ્યા છે. જેના કારણે તેઓ શાળામાં જતા નથી. આ અંગે બનાસકાંઠા જિલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ કનકભાઇ પંડ્યાએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લાની 272 ખાનગી શાળાઓમાં પણ કોરોના રક્ષણ માટે વેકસિનેશન કરવામાં આવી રહ્યું છે. જોકે રસી લીધા પછી છાત્રોને ખભાના ભાગે દુ:ખાવો થતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આવા છાત્રો બીજા દિવસે શાળામાં આવતા નથી. જિલ્લાની ખાનગી શાળામાં રસી લીધા પછી 10 થી 15 ટકા છાત્રો ગેરહાજર રહે છે.

સરકારી શાળાનામાં દુ:ખાવાની ફરિયાદ નથી
જિલ્લામાં સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ 598 સ્કુલોમાં અભ્યાસ કરતાં 1,52,810 છાત્રોને રસી આપવામાં આવી રહી છે. રસી આપ્યા પછી વિધાર્થીઓને આરોગ્ય વિભાગની ટીમના ઓબ્જર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી એક પણ વિધાર્થીને રસીની આડ અસર થઇ નથી. કે હાથના દુ:ખાવાની ફરિયાદ પણ કરી નથી. સરકારી સ્કુલોમાં રસી લીધા પછી છાત્રોની નિયમિત હાજરી રહી છે. > નરેન્દ્રસિંહ ચાવડા (જિલ્લા શિક્ષણાધિકારી, બનાસકાંઠા)

અન્ય સમાચારો પણ છે...