તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત પર જળાભિષેક:રાજ્યના 71 તાલુકામાં 1થી 16 ઇંચ વરસાદ, અંબાજીમાં મેઘો એવો ખાબક્યો કે રસ્તા નદી બન્યાં ને રમકડાંની જેમ વાહનો તણાયાં

અમદાવાદ20 દિવસ પહેલા
  • માંગરોળમાં 12 કલાકમાં 11 ઇંચ તો ઉમરગામમાં 24 કલાકમાં 16 ઇંચ
  • ગુજરાતમાં 23 ઇંચની સરેરાશ સામે અત્યાર સુધી 12 ઇંચથી વધુ વરસાદ
  • બનાસકાંઠાના ડીસામાં 2 ઈંચ, આખી રાતના વરસાદમાં અંબાજીમાં રસ્તા પરનાં વાહનો તણાયાં
  • ભાભર-વડગામ-સુઈગામ સહિતના પંથકમાં સારોએવો વરસાદ, અમરેલીના કુંકાવાવમાં 2 ઈંચ
  • જસદણમાં કલાકમાં દોઢ ઇંચ સહિત રાજકોટમાં મેઘમહેર, દક્ષિણના નવસારીમાં પણ સારોએવો વરસાદ

ગુજરાતમાં ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી વરસાદ ખેંચાયા બાદ બીજો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોમાં હાશકારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 71 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 16 ઇંચ, વાપીમાં 8 ઇંચ, વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 11 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 23 ઇંચ સરેરાશ વરસાદની સામે અત્યાર સુધીમાં 12 ઇંચથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે.

જૂનાગઢ નજીક મેઘલ નદીમાં ડુબેલું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. (ઇન્સેટ: પૂર પહેલાનું મંદિર)
જૂનાગઢ નજીક મેઘલ નદીમાં ડુબેલું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર. (ઇન્સેટ: પૂર પહેલાનું મંદિર)

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ 17 તાલુકામાં બે ઇંચથી વધુ જ્યારે 39 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ પડ્યો છે. આ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાવાને કારણે ખેતરમાં સિંચાઇ અને પીવાના પાણી માટે પાછોતરા વરસાદ પર આશા રાખવી પડે તેમ છે. અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા જેટલો થયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા જ્યારે કચ્છમાં સૌથી ઓછો 32.96 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદને કારણે 8 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ
રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે 8 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયા છે. આ તમામ રસ્તા પંચાયતના ગ્રામ્ય માર્ગો છે. વલસાડ, ભરૂચ, ડાંગ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો વાહનોની અવરજવર માટે બંધ થઇ ગયા છે.

આ મહિને વરસાદની ઘટ પૂરી થશે: IMD
સપ્ટેમ્બરમાં ભારતમાં સરેરાશ કરતા વધારે વરસાદ થઈ શકે છે. જૂનમાં સરેરાશ કરતા 10 ટકા વધારે વરસાદ થયો હતો. જ્યારે ઓગસ્ટમાં સામાન્ય કરતા 24 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. ચોમાસામાં વરસાદની ઘટ હવે 9 ટકા રહી છે. સપ્ટેમ્બરમાં સારા વરસાદથી તેમાં આ ઘટ વધારે ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે 96 %થી 104% વરસાદ થશે. જુલાઇ અને ઓગસ્ટમાં ચોમાસુ અનિશ્ચિત થયું હતું.

રાજ્યમાં 5 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં કેટલો વરસાદ

ઉમરગામ16 ઇંચ
માંગરોળ11 ઇંચ
વાપી8ઇંચ
ભાવનગર3.5 ઇંચ
સુરેન્દ્રનગર3 ઇંચ
દેડિયાપાડા3 ઇંચ
સૂઈગામ1 ઇંચ
ગણદેવી1 ઇંચ
ખંભાળીયા118 મિ.મી.
ગાંધીધામ57 મિ.મી.
ગરૂડેશ્વર54 મિ.મી.
આણંદ77 મિ.મી.
અમદાવાદ16 મિ.મી.
વડોદરા9 મિ.મી.

અમદાવાદમાં રાત્રે ભારે વરસાદ પડ્યો

અમદાવાદ શહેરમાં રાતે 9 વાગ્યાની આસપાસ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, ગોતા, ન્યુ ગોતા, એસજી હાઇવે, ઘાટલોડિયા, નારણપુરામાં ભારે વરસાદ પડ્યો છે.

અંબાજીમાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ખેડૂતોના મૂરઝાયેલા પાકોને નવજીવન મળ્યું છે. જોકે ગઈકાલ સાંજના સમયે દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો. એમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડતાં અંબાજી રોડ પર દુકાનો આગળ મૂકેલાં વાહનો વરસાદી પાણીમાં તણાવા લાગ્યાં હતાં.

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
લોકો વરસાદી પાણીના પ્રવાહથી તણાતાં વાહનોને દૂર કરતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્રણ દિવસથી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જોતજોતાંમાં રસ્તા ઉપર પાણી એટલી હદે રેલાયા કે લોકોનાં ઊભેલાં વાહનો પણ તણાવા લાગ્યાં હતાં, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો, ખેડૂતોમાં ખુશી
બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસથી સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થતો હતો છે, જેમાં ખેડૂતોના મૂરઝાતા પાકો ફરી લહેરાવા લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકના વરસાદી તાલુકાના આંકડા જોઇએ તો અમીરગઢમાં 01 મિમી, કાંકરેજમાં 18 મિમી, ડીસામાં 44 મિમી, થરાદમાં 07 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 17 મિમી, દિયોદરમાં 03 મિમી, ધાનેરામાં 15 મિમી, પાલનપુરમાં 19 મિમી, ભાભરમાં 33 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 76 મિમી, વાવમાં 02 મિમી, સુઇગામમાં 21 મિમી પડ્યો છે. જિલ્લામાં આ વર્ષનો 31.62 ટકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.

કુંકાવાવમાં બે, અમરેલીમાં દોઢ ઇંચ વરસાદ
અમરેલી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે. સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે કુંકાવાવ પંથકમા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અમરેલીમા પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. રાજુલા, વડિયા, ચલાલા, બગસરામા અડધો ઇંચ વરસાદ થતાં મોલાતને નવજીવન મળ્યું છે. ખેડૂતો મેઘરાજા વરસાદની ઘટ ભરપાઇ કરે એવી આશા રાખી રહ્યા છે.

જસદણ અને ગોંડલમાં ગાજવીજ સાથે 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ
રાજકોટ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. એમાંય જસદણ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું હોય તેમ એક કલાકમાં વીજળીના કડાકાભકાડા સાથે દોઢ ઇંચ વરસાદ વરસી જતાં શેરીઓમાં નદીની જેમ ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. હાલ ધીમી ધારે વરસાદ શરૂ જ છે તેમજ આટકોટમાં પણ મુશળધાર વરસાદ વરસતાં હાઇવે પર પાણી ભરાયાં હતાં.

ગોંડલમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસતાં અંડરબ્રિજમાં પાણી ભરાય ગયા છે. એક કલામાં દોઢ ઇંચ વરસાદથી એક કાર પણ ફસાઇ ગઇ હતી. બીજી તરફ એસટી બસ સ્ટેન્ડમાં બે ફૂટ સુધી પાણી ભરાતાં મુસાફરો પરેશાન બન્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ મોડી રાતથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો
ઘણા વખતથી હવામાન વિભાગની આગાહીઓ ખોટ પડતી આવી છે. જ્યાં મુશળધાર વરસાદ પડશે તેવી આગાહી થતી એ પંથક સાવ કોરોકટ રહેતો હતો પણ હાલ હવામાન વિભાગની સચોટ હોય એમ ગત રોજથી ધીમી ધારે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, જોકે ઉપરવાસ સારો વરસાદે કેલિયા અને જૂજ ડેમને આખા વર્ષ દરમિયાન ચાલે એટલું પાણી આપી દીધું છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને ડાંગર અને શેરડીનો પાક મોટા પ્રમાણમાં થતો હોય છે, એટલે કે આશા બતાવતા વરસાદે હાલ રાહત કરાવી છે. ડાંગર અને શેરડી એવા પાકો છે, જેમને પાણી વધુ પ્રમાણમાં જોઈએ છે, જેને કારણે ખેડૂતો દુવિધામાં હતા પણ આશાનું કિરણ લઈને આવેલા વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા છે તેમજ વાતવરણમાં અસહ્ય બફારાને લઈને વાઇરલ ફીવરના કેસો પણ વધ્યા હતા. હાલ વાતવરણમાં ઠંડક થતાં જિલ્લાવાસીઓને હાશકારો થયો છે.

જૂનાગઢમાં જિલ્લામાં સાર્વત્રિક અડધો ઇંચ
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક અડધો ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. દરમિયાન મંગળવારે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન રાત્રિના 8 વાગ્યા સુધીમાં કેશોદમાં 18 મિમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 12 મિમી, ભેંસાણમાં 8 મિમી, મેંદરડામાં 6 મિમી, માંગરોળમાં 2 મિમી, માણાવદરમાં 6 મિમી, માળિયા હાટીનામાં 4 મિમી, વંથલીમાં 10 મિમી અને વિસાવદરમાં 9 મિમી વરસાદ નોંધાયો છે.

10 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 1 સપ્ટેમ્બર 2021એ સવારે 6 કલાક સુધીમાં વિસાવદર તાલુકામાં 96 મિમી, વઘઈમાં 90 મિમી, ડેડિયાપાડામાં 88 મિમી., ધ્રોલમાં 86 મિમી, કઠલાલમાં 83 મિમી, મેંદરડામાં 81 મિમી, કપરાડામાં 79 મિમી, વડગામ, નડિયાદમાં 76 મિમી અને બગસરામાં 75 મિમી મળી કુલ 10 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત નાંદોદ ચોર્યાસી, માણસા, માતર, પારડી, ઘોઘા, કેશોદ, ઉમરેઠ, વાંસદા, વંથલી, ગરુડેશ્વર, માંગરોળ, ખેરગામ, બોટાદ, જૂનાગઢ શહેર, સાવરકુંડલા, ખેડા મળી કુલ 17 તાલુકામાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય 39 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં 145 મિમી એટલે કે છ ઈંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં 132 મિમી એટલે કે પાંચ ઈંચથી વધુ જ્યારે માંગરોળ તાલુકામાં 100 મિમી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સીઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા નોંધાયો છે, જેમાં કચ્છ રીજનનમાં 32.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...