તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિયાલિટી:સરકારનો ઉદ્દેશ સારો પણ ઓક્સિજનના અભાવે દર્દીઓ ઓછા આવી રહ્યા છે, કોવિડ સેન્ટરો શરૂ કરાયા પણ ઓક્સિજનના ફાંફા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર તાલુકાના માલણ ગામે દાતા દ્વારા 10 બેડનું કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. - Divya Bhaskar
પાલનપુર તાલુકાના માલણ ગામે દાતા દ્વારા 10 બેડનું કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં વધતાં જતાં કોરોનાના સંક્રમણને કારણે શહેરોમાં સરકારી, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીને દાખલ થવા માટે જગ્યા નથી મળી રહી, બીજી તરફ સતત વધી રહેલી ઓક્સિજનની જરૂરીયાતને પહોચી વળવા માટે વહિવટીતંત્ર દોડી રહ્યું છે.

આવી કટોકટીની કહી શકાય એવી ગંભીર સ્થિતિમાં નાના ગ્રામિણ સેન્ટરોમાં દાતાઓ, સામાજીક સંસ્થાઓ દ્વારા કોવિડ સેન્ટરો તો ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના સેન્ટરોમાં ઓક્સિજનની સુવિધા ન હોઇ ગંભીર દર્દીઓ સારવાર માટે આવતા નથી.જેને લઈ સારવાર પુરતા પ્રમાણમાં મળી શકતી નથી.આથી દર્દીઓ પણ હેરાન થઈ ગયા છે.

માલણમાં દસ બેડનું સેન્ટર,ઓક્સિજન નથી
માલણ ગામની ટી. પી. હાઇસ્કુલમાં ગામના વતની અને હાલ મુંબઇ રહેતા દાતા શેઠ રતીલાલ ત્રિભોવનદાસ શાહ દ્વારા ચાર દિવસ અગાઉ દસ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દર્દીઓની સારસંભાળ રાખતાં જગદીશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, હાલ ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને દવા, ચા - નાસ્તો, બંને ટાઇમ જમવાનું વિનામૂલ્યે આપવામાં આવે છે. એક તબીબ અને બે પેરામેડીકલ સ્ટાફ સહિત ગામના સાત અગ્રણીઓ વારાફરતી દર્દીઓની સારસંભાળ રાખી રહ્યા છે.ઓક્સિજનની વ્યવસ્થા નથી.

મોરીયા કોવિડ સેન્ટર 25 ગામો માટે આશીર્વાદરૂપ, પણ ઓક્સિજનનો અભાવ
વડગામના મોરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉભુ કરાયેલુ દસ બેડનું કોવિડ કેર સેન્ટર આજુબાજુના 25 ગામના દર્દીઓ માટે ખુબ જ આર્શિવાદરૂપ બની રહ્યુ છે. અગ્રણી પ્રવિણજી ઠાકોરે જણાવ્યું કે, સરપંચો સહિત અગ્રણીઓની વારંવારની રજૂઆતથી અહિંયા તંત્ર દ્વારા ઓક્સિજનની બોટલોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચા- નાસ્તો, બે ટાઇમ જમવાનું દાતાઓના ફાળાથી વિનામૂલ્યે આપવામાં આવે છે. પીએચસીનો સારવાર આપી રહ્યો છે.સપ્તાહથી દાખલ દર્દી વાઘાજીએ જણાવ્યું કે, શહેરમાં સારવાર કરાવવા ગયો હોત તો રૂપિયા 50,000નો ખર્ચ થઇ જાત, જે સારવાર અહિંયા વિનામૂલ્યે મળી રહી છે.

પાલનપુર તાલુકાના ચડોતર સેન્ટરમાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોઇ ગંભીર દર્દીઓને આગળ રિફર કરવાની ફરજ પડે છે
પાલનપુર તાલુકાના ચડોતરમાં ડો. વિકાસ ઠાકોરે પોતાની ખાનગી કલિનિક બંધ કરી પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા જન સેવા એજ પ્રભુ સેવા કોવિડ સેન્ટરમાં વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. 20 એપ્રિલથી ચાલુ કરેલા આ કોવિડ સેન્ટરમાં આજુબાજુના 25 ગામના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 70થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે. જોકે, ઓક્સિજનની વ્યવસ્થા ન હોઇ ગંભીર દર્દીઓને આગળ રિફર કરવાની ફરજ પડે છે. દવા, એક્ષરે અને રિપોર્ટ માટે 50 ટકા કરતાં ઓછી ફી લેવાઇ રહી છે.

પીરોજપુરાના સરપંચ મણીબેન હરીભાઇ પ્રજાપતિએ જણાવ્યુ કે, બે દિવસ અગાઉ ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં પાંચ બેડ પૈકી ત્રણ બેડ મુકવામાં આવ્યા છે. જ્યાં ઓક્સિજન અને દવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે ધાણધા ગ્રામ પંચાયતના સરપંચ વાઘજીભાઇ પટેલે જણાવ્યું કે, ગામની પ્રાથમિક શાળામાં 5 બેડનું વિનામૂલ્યે કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. જોકે, ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બે ખાનગી કલિનિક હોઇ મોટાભાગના દર્દીઓ ત્યાં સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...