તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રેમલગ્ન કરનારી પુત્રીને છુટાછેડા કરાવી ગોંધી રાખી,મદદે આવેલી 181ની ટીમ પર હુમલો

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંતાના મંડાલીમાં ઝપાઝપીમાં કાઉન્સેલર અને મહિલા પોલીસ કર્મીને ઇજા
  • હુમલો કરનારા ચાર શખ્સો સામે હડાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી

દાંતાના મંડાલી ગામે એક યુવતીએ નવ માસ અગાઉ ખેડબ્રહ્માના યુવક સાથે પ્રેમ લગ્ન કરી ઘરે આવી હતી. જોકે, તેના પરિવારજનોએ સમાધાન કરવાનું કહી તેના પતિ સાથે છુટાછેડા કરાવી દીધા હતા. જે બાદ ઘરની બહાર નીકળવા દેતા ન હતા. આથી યુવતીએ રવિવારે 181 અભિયમની ટીમની મદદ માંગી હતી. જ્યાં પહોચેલી અભિયમની ટીમના સરકારી કામમાં રૂકાવટ કરી પરિવારજનોએ અભિયમની ટીમના મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે હડાદ પોલીસ મથકે જાણ કરાઈ હતી.

મંડાલી ગામે રહેતી સોનલ (નામ બદલ્યું છે.)એ 19/11/2020ના રોજ ખેડબ્રહ્માના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાન થોડાક દિવસ પતિ પાસે રહ્યા પછી તે મંડાલી ગામે પોતાના પિયરમાં પરત આવી હતી. જ્યાં તેના માતા - પિતા તેમજ પરિવારજનોએ સામાજીક સમાધાન કરવાની વાત કરી દબાણ કરી સોનલને તેના પતિથી નોટરી કરાર ઉપર છુટાછેડા આપી દીધા હતા. જોકે, યુવતીને તેના પતિ પાસે જવું હતુ. પરંતુ ઘરમાંથી બહાર નીકળવા દેતાં ન હતા.

આથી તેણીએ રવિવારે બનાસકાંઠા 181 અભિયમની મદદ માંગતાં કાઉન્સેલર જીનલબેન પરમાર અને મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા ઘરે પહોચ્યા હતા. અને યુવતીના નિવેદન મુજબ સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવતી હતી. ત્યારે પરિવારજનોએ સરકારી કામમાં રૂકાવટ કરી યુવતીને છોડાવવા માટે ઝપાઝપી કરી હતી. જેમાં બંને કર્મચારીઓના હાથે ઇજા થઇ હતી. આ અંગે વર્ષાબેન મહેતાએ હડાદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ચાર શખ્સો સામે અટકાયતી પગલાં ભર્યા હતા.

યુવતીને ઘરમાં પુરી તાળું મારી દીધુ હતુ
યુવતીએ માતા- પિતાના ઘરે ન રહેવાનું નિવેદન આપતાં તેણીને પાલનપુર સુરક્ષિત સ્થળે લઇ જઇ રહ્યા હતા. ત્યારે પરિવારજનોએ અમારી પાસેથી છીનવવા માટે ખેંચમખેચી કરી હતી. અને યુવતીને ઘરમાં પુરી દઇ બહારથી તાળુ મારી દીધુ હતુ. દરમિયાન હડાદ પોલીસની મદદ લઇ તેણીને પાલનપુર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે.: જીનલબેન પરમાર (કાઉન્સેલર, 181 પાલનપુર)

ચાર શખ્સો સામે અટકાયતી પગલા ભર્યા
મંડાલી ગામે યુવતીના ખેડબ્રહ્મામાં પ્રેમલગ્ન થયા બાદ છુટાછેડા થયેલા હતા. જેણે માતા- પિતા અને પરિવારજનોની જાણ બહાર 181 અભિયમની મદદ લીધી હતી. અચાનક આ ટીમ આવતાં પરિવારજનો અેકત્ર થઇ ગયા હતા. 181ની અરજીના આધારે પરિવારના હુમલો કરનારા અમથાભાઈ બેચરભાઈ પ્રજાપતિ, તુલસીભાઈ છગનભાઇ પ્રજાપતિ, જગદીશભાઈ બેચરભાઈ પ્રજાપતિ, અમરતભાઇ મગનભાઇ પ્રજાપતિ સામે કલમ 151 મુજબ અટકાયતી પગલાં ભર્યા છે.-આર. એમ. કોટવાલ (પીએસઆઇ, હડાદ)

અન્ય સમાચારો પણ છે...