કાર્યવાહી:માનસરોવર સલાટવાસમાં મંદિરમાં વિદેશી દારૂના વેચાણનો પર્દાફાશ

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી
  • દારૂ સાથે રૂ.1.02 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

પાલનપુર માન સરોવર સલાટવાસમાં મંગળવારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છાપો માર્યો હતો. જ્યાં માતાજીના મંદિરમાંથી તેમજ રહેણાંક મકાનમાંથી દેશી -વિદેશી દારૂ સાથે રૂ. 1.02 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. ટીમે દારૂ વેચવા માટે નોકરીએ રાખેલા શખ્સને ઝડપી લીધો હતો. જોકે, બે બુટલેગરો હાજર મળ્યા ન હતા.માનસરોવર વિસ્તારમાં દારૂનુ વેચાણ થતું હોવાની માહિતીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ પીએસઆઇ અે. ડી. ચાવડાએ મંગળવારે ટીમ સાથે છાપો માર્યો હતો.

જ્યાં ખોડીયાર માતાજીના જુના મંદિરમાંથી તેમજ ખોડીયાર નગર સલાટવાસમાં કાનજીભાઇ લક્ષ્મણભાઇ સલાટના બંધ મકાનમાંથી રૂપિયા 1,00,635ની વિદેશી દારૂની બોટલ નંગ 456, રૂપિયા 1580નો દેશી દારૂ 79 લીટર મળી આવ્યો હતો.

ટીમે દારૂ વેચવા માટે દૈનિક રૂપિયા 500ના પગારથી રાખેલા રતનભાઇ માનાભાઇ સલાટને ઝડપી લીધો હતો. જેની પાસેથી રૂપિયા 500નો મોબાઇલ સહિત કુલ રૂપિયા 1,02,715નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જોકે, દારૂ લાવનારા રણછોડભાઇ ઉર્ફે છલીયો કેશાભાઇ સલાટ અને હરજીભાઇ નાથાભાઇ સલાટ હાજર મળ્યા ન હતા. ટીમે ત્રણેય શખ્સો સામે પશ્વિમ પોલીસ મથકે ગૂનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...