નુકસાન:સતત ત્રીજા વર્ષે નવેમ્બરમાં માવઠાંએ ખેડૂતોને રડાવ્યા

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર માર્કેટ યાર્ડ મગફળી પલળી ગઈ હતી - Divya Bhaskar
પાલનપુર માર્કેટ યાર્ડ મગફળી પલળી ગઈ હતી
  • ઉ. ગુ.માં સૌથી ઇડર અને વડાલીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો, ખેરાલુમાં 2,સતલાસણામાં પોણા બે ઈંચ વરસાદ
  • પાલનપુર માર્કેટયાર્ડમાં મગફળીની 3500 બોરી, દિયોદરમાં 1000 બોરી પલળી,વેપારીઓએ આખી રાત જાગીને મગફળી ગોડાઉનમાં ભરાવી,ઇકબાલગઢમાં કપાસ પલળ્યો
  • સાયક્લોનિક સરકયુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં વરસાદ પડ્યો,બનાસકાંઠાના તમામ માર્કેટ યાર્ડોમાં ખરીદ વેચાણ બંધ રહ્યું

પાલનપુર માર્કેટયાર્ડમાં બુધવારની રાતથી જ વેપારીઓએ બોરીયોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન રાત્રે ત્રણ વાગ્યા બાદ વરસાદ વરસતા કેટલાંક વેપારીઓની મગફળીની 3500 બોરી પલળી ગઈ હતી. આગોતરી સૂચનાના પગલે જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં ખરીદ વેચાણ બંધ રાખવામાં આવ્યું હતું,કમોસમી વરસાદથી ડીસા એપીએમસીમાં મગફળીનો માલ પલડી ગયો હતો. આગાહીના પગલે સાવચેતી રાખવા ખેડૂતો અને વેપારીઓને સૂચના પણ આપી હતી તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું. દિયોદર પંથકમાં વરસાદથી કપાસ જીરૂ મગફળી સહિતના ખેતીપાકોને તેમજ દાડમ જેવા બાગાયતી પાકોને નુકસાનની ભીતિ સેવાઇ હતી. કાંકરેજ પંથકમાં ખેડૂતોનો ઘાસચારો પલળી ગયો હતો.

ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં મજદૂરો દ્વારા દોડાદોડી કરી મગફળી,કપાસની બોરીઓને યોગ્ય સ્થળ ખસેડી.
ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં મજદૂરો દ્વારા દોડાદોડી કરી મગફળી,કપાસની બોરીઓને યોગ્ય સ્થળ ખસેડી.

પાંથાવાડા માર્કેટયાર્ડમાં વેપારીઓએ મગફળીની ઉપર તાડપત્રી ઢાકી હતી. માર્કેટના કેમ્પસમાં પડેલો જથ્થો બુધવારે વેપારીઓ દ્વારા ટ્રકોમાં ભરાવવાનુ કામ રાતથી ચાલુ કર્યું હતું. ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસ પલડતા વેપારીઓ અને ખેડૂતોને મોટંુ નુકસાન થયું હતું.

થરાદ પંથકમાં અમુક ખેડૂતોને ખરિફ પાકમાં વિશેષ કરીને ઘાસચારો ખેતર અને ખળામાં ખુલ્લો પડ્યો હોઇ માવઠાથી નુકશાન થયું હતું. થરાદ માર્કેટયાર્ડ અને વેપારી એસોસિયેશન દ્વારા સૂચના મુજબ માલ ઢાંકી દેતાં કોઇ નુકશાન થયુંં ન હતું તેમ બોર્ડ ઓફ ડિરેક્ટર વેપારી જેતસીભાઇ પટેલ અને દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું. ધાનેરા તાલુકામાં સવારે 5 વાગે વરસાદ આવતા મગફળી તેમજ ઘાસચારો બહાર પડેલ હોવાથી ખેડૂતોને દોડધામ મચી હતી. માર્કેટયાર્ડમાં મગફળીનો પાક ભીજાયો હતો.

48 કલાકમાં 2 ઇંચ વરસાદ થાય તો કમોસમી વરસાદ ગણાશે, શાકભાજીમાં ફૂગનાશક દવાનો છંટકાવ જરૂરી
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ 94 હજાર હેક્ટર વિસ્તારમાં રવી સીઝનમાં વાવેતર થયું છે. 48 કલાકમાં 2 ઇંચ વરસાદ થાય તો તે કમોસમી વરસાદ ગણાય છે. જિલ્લામાં દિવેલાનું વાવેતર સારું એવું છે જેમાં વરસાદથી કોઈ નુકસાનની શક્યતા નથી. માત્ર કપાસ અને ઘાસચારામાં નુકસાનની શક્યતા છે. જ્યારે શાકભાજીમા ફુગ આવવાની શક્યતા રહેલી છે ખેડૂતોએ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...