• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Farmers Sit On Dharna In Front Of Changa Pumping Station In Kankrej, Threatening To Sit On Dharna Till Water Is Released In The Canal

ખેડૂતોના ધરણા:કાંકરેજના ચાંગા પંપીંગ સ્ટેશન આગળ ખેડૂતો ધરણા પર બેસ્યા, કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી

પાલનપુરએક મહિનો પહેલા
  • વારંવાર રજૂઆત કરવા છતા સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ધરણા પર બેસ્યા
  • પાણી છોડવામાં આવે તો આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેવાની શક્યતા

બનાસકાંઠામાં કાંકરેજ પાસે ચાંગા પંપીંગ સ્ટેશન આગળ ફરી એકવાર ખેડૂતો પાણીની માંગ સાથે ધરણા પર બેઠા છે. એક તરફ પાણીના તળ ઉંડા છે અને બીજી તરફ રવીપાકની સીઝનમાં પાણી વગર વાવેતર શક્ય નથી, જેથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ધરણા ચાલુ રહેશે

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં નહિવત વરસાદ થયો છે. વળી ઉપરવાસમાં એટલે કે રાજસ્થાનમાં પણ વરસાદ ઓછો થયો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે જળાશયોમાં નવા પાણીની આવક થઇ નથી. જેના કારણે જિલ્લાના દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ છે. જેથી આ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ પણ નથી. બીજી તરફ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડે પહોંચી ગયા છે. ત્યારે સરકારે બનાવેલી સુજલામ સુફલામ કેનાલ કે જે જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી પસાર થાય છે, એમાં પાણી છોડવામાં આવે તો આજુબાજુના વિસ્તારોમાં પાણીના તળ ઉપર આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે એમ છે.

આ માટે અગાઉ ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં હજુ સુધી સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. હવે શિયાળાની શરૂઆત સાથે જ ખેડૂતો વાવેતરની શરૂઆત કરતા હોય છે, પરંતુ પાણી વગર તે પણ શક્ય નથી. જેથી કંટાળેલા ખેડૂતો આજે સોમવારે કાંકરેજમાં આવેલા ચાંગા પંપીંગ સ્ટેશન આગળ ધરણા પર બેસી ગયા હતા અને સરકાર દ્વારા જ્યાં સુધી આ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...