તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંચય:બનાસકાંઠાના ખેડૂતે 1 લાખ સુધીના ખર્ચે કૂવા રિચાર્જ કરી પાણીની સમસ્યા હલ કરી, બે મહિનામાં 10 ખેડૂતે સફળતા મેળવી

પાલનપુર3 મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
  • કોઈપણ ખેડૂત પોતાની રીતે જ કરી શકે છે કૂવા અને બોર રિચાર્જ

બનાસકાંઠાના પાલનપુર, વડગામ અને દાંતીવાડા તાલુકાનાં અનેક ગામ એવાં છે, જ્યાં ભૂગર્ભ જળના સ્તર 1000 ફૂટ નીચે જતા રહ્યા છે તો બીજી તરફ સિંચાઈ માટેની સુવિધાનો પણ અભાવ છે. ત્યારે કેટલાક ખેડૂતોએ જાતે જ પોતાના કૂવા અને બોર રિચાર્જ કરી સફળતા મેળવી છે અને અન્ય ખેડૂતોને પણ જળસંચય માટે રાહ ચીંધી છે.

બનાસકાંઠા જિલ્લાનાં અનેક ગામો એવાં છે, જ્યાં ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તો જ ખેતી શક્ય બને છે. પશુઓ માટે પાણીના હવાડા પણ ટેન્કરથી ભરવા પડે એવી સ્થિતિ હોય છે, ત્યારે પાણીના પોકારોથી કંટાળી હવે ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે એક નવો પ્રયોગ હાથ ધર્યો છે.

ભરકવાડા ગામમાં 10 ખેડૂતે કૂવા રિચાર્જ કર્યા
ભરકવાડા ગામના વડીલો-યુવાનોએ મીટિંગ કરી વિચારણા હાથ ધરી કે જૂના કૂવા કઈ રીતે રિચાર્જ કરવા? ત્યારે સૌપ્રથમ હરિભાઈ ગાલવ નામના ખેડૂતે પોતાના ખેતરમાં કૂવા રિચાર્જ માટેની તૈયારી દર્શાવી, જેમાં 1 લાખના ખર્ચે વરસાદનું વહી જતું પાણી પાઇપલાઇનથી પોતાના કૂવામાં ઊતરે એ રીતે સમગ્ર આયોજન કર્યું. ત્યાર બાદ ગામના અન્ય ખેડૂતોએ પોતાના કૂવા રિચાર્જ માટેનું અભિયાન શરૂ કર્યું .એનાથી બે મહિનામાં 10 જેટલા ખેડૂતોએ પોતાના કૂવા રિચાર્જ કરવા માટે વરસાદનું વહી જતું પાણી પોતાના કૂવામાં ઉતારી સફળતા મેળવી છે.

પ્રથમ વરસાદમાં જ કૂવા છલોછલ થયા
ભરકવાડા ગામમાં દસ જેટલા ખેડૂતોએ કૂવા રિચાર્જ કરવા માટે સિસ્ટમ ગોઠવી હતી. જિલ્લામાં આ વર્ષે પ્રથમ વરસાદ થતાં જ કૂવામાં પાણીની ભરપૂર આવક થઈ અને છલોછલ ભરાતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ 1980માં કહેલું કે ધરતી માતાની અંદરથી જેટલું પાણી આપણે લઈએ છીએ એ પાણી કૂવા-બોર રિચાર્જ કરી ધરતી માતાને પાછું આપીએ તો ધરતી માતાનું ઋણ અદા થશે. એ વિચારથી ખેડૂતોએ આવી મુશ્કેલીના સમયે આ અભિયાન ઉપાડયું. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના બોર ફેલ થઈ જતાં તેમને ચિંતા હતી. ત્યારે હવે ખેડૂતોને બીજી કોઈ આશા ના દેખાતાં તેમણે તેમના ખેતરમાં જૂના કૂવા રિચાર્જ કરવાનું અભિયાન હાથ ધર્યું. છેલ્લા બે મહિનામાં ભરકવાડા ગામના 10 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં વરસાદી પાણી સીધું કૂવામાં ઊતરે એવી વ્યવસ્થા કરાવી છે. જૂના કૂવા રિચાર્જ થવાથી ખેડૂતોના ખેતરમાં પાણીનાં તળ પણ ઊંચાં આવશે.

ભરકાવાડા ગામના ખેડૂતોએ શરૂ કરેલા આ અભિયાનમાં એક સંસ્થાનાં મિતલબેન પટેલે જે નાના ખેડૂત હતા તેમજ ખર્ચ નહોતાં કરી શકતાં. તેમને સંસ્થા થકી મદદ કરી આ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. હવે અન્ય ગામના ખેડૂતો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.

કઈ રીતે થાય છે કૂવા રિચાર્જ?
કૂવા રિચાર્જ માટે ખેડૂતે સૌપ્રથમ તો પોતાના ખેતરની નજીકમાં વરસાદી પાણી ક્યાં એકઠું થાય છે અથવા તો કઈ જગ્યાએથી પ્રવાહ વહે છે એ સ્થળ પસંદ કરવાનું રહે છે. જ્યાં પાણી એકત્ર થતું હોય ત્યાં આરસીસીની એક ચેમ્બર બનાવવામાં આવે છે. એમાં એક પાઈપ મૂકી કૂવા સુધી લઈ જવામાં આવે છે. ચેમ્બરમાં પથ્થરની કપચી ભરી દેવામા આવે છે, જેથી પાણી શુદ્ધ થઈને જ કૂવામાં જાય છે. ખેડૂત સામાન્ય ખર્ચમાં આ સિસ્ટમ બનાવી પોતાના કૂવા અને બોર રિચાર્જ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...