નવી ખેડૂત નીતિનો લાભ:ખેડૂતો મગફળી સીધી ફેકટરીમાં ભરાવવા લાગ્યા

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર માર્કેટયાર્ડમાં આવક અડધી થઈ ગઈ, અગાઉ 70 થી 75 હજાર બોરી આવતી,હવે 35થી 40 હજાર બોરી આવવા લાગી
  • ફેક્ટરીમાં 20 કિલોએ 15થી20 રૂપિયાનો ભાવ વધુ મળતાં ખેડૂતોને ફાયદો

ખેડૂતો હવે પોતાનો પાક સીધેસીધો ફેક્ટરી માલિકો તેમજ પ્રાઇવેટ પેઢી વેચી શકતા હોવાથી માર્કેટયાર્ડમાં આવતી મગફળીઓ અડધી થઈ ગઈ છે. નિકાસ કરવા માટેની મગફળી સારી ક્વોલિટીની બનાસકાંઠામાથી નીકળતી હોવાથી ભાવો સારા મળી રહ્યા છે. જેનો ખેડૂતો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છે. નિકાસકારોને પ્રતિ 20 કિલોએ 30થી 35 રૂપિયાનો ફાયદો થતો હોવાથી તેઓ માર્કેટયાર્ડ કરતા 15થી 20 રૂપિયા વધુ ભાવ આપી ખેડૂતોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.આથી ખેડૂતો ફેકટરીમાં મગફળી ભરાવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં 1,20,000 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયુ હતું. મગફળીને અનુરૂપ બ.કા.ની ફળદ્રુપ જમીન પર પ્રતિ હેક્ટરે 2 હજાર કિલો મગફળીનું ઉત્પાદન થાય છે તે જોતા આ વર્ષે 2,40, 000 કિલો મગફળીનું ઉત્પાદન થયું છે. જેના લીધે દિવાળી બાદ માર્કેટયાર્ડ ખુલતા જ જુદા જુદા માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો નોંધાઇ રહી છે. .

જોકે પાલનપુર માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે "સરકારની નવી કૃષિ નીતિની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે મોટાભાગના ખેડૂતો માર્કેટયાર્ડના નિયંત્રિત બજારમાં મગફળી ભરાવાના સ્થાને સીધેસીધા પાલનપુર આસપાસ આવેલી 17 થી 18 જેટલી ફેક્ટરીઓમાં માલ લઈને જઈ રહ્યા છે. જેના લીધે માર્કેટ યાર્ડને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતો પાસેથી પ્રતિ 100 રુપિયે 60 પૈસાનો ખર્ચ લે છે જેમાં ખેડૂતોને વાહનમાંથી પોતાનો માલ ઉતારવાનો કોઈ ખર્ચ થતો નથી. રોકડા પૈસા મળી જાય છે.

સમિતિ દ્વારા અકસ્માત વીમા ફુવારા સહાય પણ અપાય છે." તો બીજી તરફ પાલનપુર મગફળીના દાણા એકઠા કરતી ફેક્ટરી એકમના વજુભાઈએ જણાવ્યું હતું કે "ખેડૂતોને આ વર્ષે મગફળીના ખૂબ સારા ભાવો મળી રહ્યા છે. એક્સપોર્ટ થઈ રહી છે અને પાલનપુર માર્કેટયાર્ડમાં આવતી મગફળીમાથી પણ ફેક્ટરી સંચાલકો દ્વારા મગફળી ખરીદવામાં આવી રહી છે જેના લીધે વેપારીને પ્રતિ 20 કિલોએ 30થી 35 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જ્યારે ખેડૂત સીધેસીધો ફેક્ટરી માં આવે છે. ત્યારે હરાજી ના ભાવ જાણ્યા બાદ ફેક્ટરીમાં 20 કિલોએ 15થી20 રૂપિયાનો ભાવ વધુ મળતા ફેક્ટરીને માલ આપી દે છે."નોંધનીય છે કે સરકારની નવી કૃષિ નીતિની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે મોટાભાગના ખેડૂતો લાભ લઈ રહ્યા છે.

મગફળીના દાણાની ચાઇનામાં માંગ
બનાસકાંઠા જિલ્લામાં 20 નંબર 37 નંબર અને 24/2નંબરની મુખ્ય ત્રણ વેરાઈટી નું મબલખ ઉત્પાદન આ વર્ષે બનાસકાંઠામાં થયું છે જેમાં 20 નંબરની જાતનો તેલ કાઢવામાં તેમજ બહારની હવા આપી પ્રોસેસિંગ કરી ખારી સિંગ બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે 37 નંબરના દાણા મોટાભાગે ચાઇના સહિતના દેશોમાં નિકાસ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...