તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદાર કોણ?:પાલનપુર સિવિલ બહાર 108માં જ કોવિડના દર્દીએ દમ તોડી દેતા પરિવારજનોનું આક્રંદ,હોસ્પિટલમાં પ્રવેશ ના આપતા મોત થયાનો આક્ષેપ

પાલનપુર3 મહિનો પહેલા
  • જિગ્નેશ મેવાણીએ કહ્યું- '15મી તારીખે પાલનપુર આવી રહેલા રૂપાણીએ જવાબ આપવો પડશે'

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સિવિલ હોસ્પિટલના સંકુલમાં આજે 108માં લવાયેલા કોવિડના એક દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત થતા પરિવારજનોએ સમયસર સારવાર ના અપાઈ હોવાનો હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે વાતાવરણ ગમગીન બન્યું હતું. તો બીજી તરફ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ટ્વિટ કરી આ મામલાને લઈ સવાલ ઉઠાવ્યા છે. મેવાણીએ કહ્યું- 15મી તારીખે પાલનપુર આવી રહેલા મુખ્યમંત્રીએ આ મામલે જવાબ આપવો પડશે.

સિવિલની બહાર 108 એમ્બ્યુલન્સમાં જ કોવિડ પેશન્ટનું મોત થતા તેના પુત્રએ ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, હોસ્પિટલની સિક્યુરિટીવાળાઓએ અડધો કલાક સુધી બહાર ઉભા રાખી દાખલ કરવાની ના પાડી હતી. સમયસર સારવાર ના મળી હોવાના કારણે જ મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

મૃતકના સગા વિનોદભાઈએ જણાવ્યું હતું કે, અડધો કલાક સુધી દર્દી અને તેમના સગા હાથ જોડે છે કે મને અંદર જવાદો ઓક્સિજન ઘટી જવાના કારણે મારો શ્વાસ રૂંધાય છે.તેમ છતાં સિક્યુરિટી વાળાઓને જરા પણ માનવતા ન દાખવી. સિક્યુરિટી વાળાએ મેનેજમેન્ટ ફોન કરે છે ને મેનેજમેન્ટ બિલકુલ ના પાડે છે.સિવિલના મેનેજમેન્ટ અને સિક્યુરિટી પર FIR થવી જોઈએ.દલપત ભાટિયા નામના આગેવાને જણાવ્યું હતું કે, મજદાર ગામના દર્દીને લઈને આવી રહ્યા હતા એમને અંદર દરવાજામાં ઘૂસવા ના દીધા. અડધો કલાક સુધી પેસન્ટ અને એમના સગા સારવાર માટે તડપી રહ્યા હતા.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી સવાલ ઉઠાવ્યા
પોતાના મત વિસ્તારમાં રહેતા વ્યકિતનું પાલનપુર સિવિલમાં મોત થતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી ઘટનાને વખોડી કાઢી હતી. સાથે કહ્યું હતું કે, 15મી તારીખે પાલનપુર આવી રહેલા મુખ્યમંત્રીએ આનો જવાબ આપવો પડશે.

અન્ય સમાચારો પણ છે...