તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંચાલકો ચિંતામાં:વરસાદથી હાલ પુરતી રાહત,છતાં દુષ્કાળનો ભય

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવ, થરાદ, દિયોદર, ભાભરના બિન પિયત વિસ્તારના ખેડૂતો ખુશ, પણ સાવ સુકાયેલો પાક બચાવવો મુશ્કેલ
  • બનાસકાંઠામાં સીઝનના કુલ 32.20 ટકા વરસાદ નોંધાયો,ઘાસચારાની અછતના પગલે પાંજરાપોળ સંચાલકો ચિંતામાં

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી મોસમ છે છતાં અપૂરતા વરસાદના લીધે સરહદી ગામોમાં દુષ્કાળની અસર સ્પષ્ટ વર્તાઈ રહી છે. સુઈગામ, વાવ, થરાદ, દિયોદર, ભાભરના બિનપિયત વિસ્તારના ખેડૂતોને વરસાદી પાણી મળી જતા હાલ પૂરતી રાહત તો થઈ છે પણ જે પાક બિલકુલ સુકાઈ ગયો છે તેને બચાવવો મુશ્કેલ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જોકે ક્યાંક ક્યાંક પાક બચ્યો છે. અધૂરામાં પૂરું ઘાસચારાની અછતના પગલે લીલા ઘાસના ભાવોમાં હજુ સુધી કોઈ ઘટાડો નથી થયો અને રાજસ્થાનથી પાંજરાપોળમાં આવતા ઘાસના ભાવોમાં દિનપ્રતિદિન ભાવોમાં વધારો નોંધાઇ રહ્યો છે.

ચાર દિવસના વરસાદ બાદ ગુરુવારે જિલ્લામાં ક્યાં વરસાદ પડ્યો ન હતો. જોકે મધ્યરાત્રીએ ધાનેરા પાલનપુર લાખણી અને વડગામમાં એકાદ ઇંચ વરસાદ નોધાયો હતો. સરહદી પંથકના મુરઝાતા મોલને થોડા દિવસોનું જીવતદાન મળ્યું છે. પરંતુ જિલ્લામાં સરેરાશ વરસાદની સ્થિતિએ ચિત્ર હજુ ગંભીર છે. આંકડાઓ પર નજર કરીએ તો સીઝનના કુલ વરસાદ કરતાં તે 32.20 ટકા જેટલોજ નોંધાયો છે. જે અત્યંત ગંભીર છે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે " છેલ્લા ત્રણ વર્ષથી વરસાદની પેટર્ન બદલાઇ છે.

સતત ધીમીધારે વરસાદ જે સીધો જમીનમાં ઉતરતો હતો તેના બદલે હવે ધોધમાર ઝાપટું પડી અને રોકાઈ જાય છે. શ્રાવણ મહિનો સાવ કોરો રહ્યો હતો પણ છેલ્લા ચાર દિવસમાં ત્રણ-ચાર ઈંચ વરસાદે થોડે અંશે રાહત કરી છે જે અપૂરતી છે. બીજી તરફ ખેડૂતોએ જણાવ્યું હતું કે " આ વર્ષે વરસાદ ન થવાથી ફુવારા ચાલુ રાખીને પાક બચાવવો પડ્યો છે. જેથી પાણીના તળ ઊંડા જશે અને ઉનાળામાં વધુ મોટર ચલાવવી પડશે અને આર્થિક ભારણ વધશે."

વાવ પંથકમાં વરસાદ થતાં પાકોને થોડું જીવતદાન મળ્યું
બનાસકાંઠા સહિત વાવમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ પડતાં અગાઉ જૂન માસમાં પડેલ વરસાદમાં કરેલ વાવેતર બાજરી, જુવાર, તલ, બીજડા જેવા પાકોને થોડું ઘણું જીવતદાન મળ્યું હતું. પાકોમાં નવી કૂંપળો ફૂટી હતી. જો કે વાવમાં વરસાદ ઓછો હોઈ નવા વાવેતરની શક્યતાઓ ઓછી છે.

10 ઇંચ કરતા ઓછો વરસાદ હોય ત્યાં અછત
સરકારના નવા માપદંડ પ્રમાણે 10 ઇંચ કરતા ઓછો વરસાદ હોય ત્યાં અછત જાહેર કરાનાર છે. જોકે,અછત જાહેર કરતાં પહેલા પાકની પરિસ્થિતિનું નિરીક્ષણ કરાશે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પાકની સ્થિતિ ખબર પડી જશે.

દિવેલાનું વાવેતર આ સપ્તાહમાં વધ્યું
જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં વરસાદના લીધે ખેતી પાકોમાં સારો ફેરફાર આવ્યો છે. છ લાખ હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયું છે જેમાં પાછલા એક સપ્તાહમાં વાવેતર વધ્યું છે. જેનાથી ખેડુતોને ફાયદો થયો છે.

સીઝનનો સરેરાશ વરસાદ
તાલુકોટકાવારીકુલ વરસાદ
અમીરગઢ25.67220 મીમી
કાંકરેજ28. 83147 મીમી
ડીસા44.28337 મીમી
થરાદ15.1676 મીમી
દાંતા55.6508 મીમી
દાંતીવાડા21.12171 મીમી
દિયોદર16.82115 મીમી
ધાનેરા33.61196 મીમી
પાલનપુર41.01331 મીમી
ભાભર27.33164 મીમી
લાખણી14.8684 મીમી
વડગામ55.87448 મીમી
વાવ17.5177 મીમી
સુઈગામ27.51159મીમી
સરેરાશ32.23033 મીમી

પાંજરાપોળની સ્થિતિ
જિલ્લાના સરહદી વાવ થરાદ સુઇગામ તાલુકાની ગૌશાળા અને પાંજરાપોળમાં પ્રતિદિન 100ટન લીલા ઘાસની જરૂરિયાત સામે 50 ટન લીલું ઘાસ અપાઇ રહ્યું છે જ્યારે બાકીનું સુકુ ઘાસ વધુ પ્રમાણમાં આપવામાં આવી રહ્યું છે.

પાલનપુર પંથકમાં હાથીદરા, ઉમરદશી નદીમાં નીર રેલાયા

બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળની ભિતી વચ્ચે છેલ્લા પાંચ દિવસથી સાંજના સુમારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં ગુરૂવારે સવારે પાલનપુર પંથકના પૂર્વ વિસ્તારમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. જોકે, બુધવારે સાંજે પહાડી વિસ્તારમાં પડેલા વરસાદને પગલે હાથીદરા નજીક આવેલી નદી, તેમજ ગોઢના ડુંગરોમાંથી નીકળતી ઉમરદશી નદીમાં પાણી રેલાયા હતા. જેના પગલે કાંઠા વિસ્તારના લોકોએ નદીને વધાવી હતી. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી જવા પામ્યો હતો.

આ અંગે પ્રકાશભાઇ મકવાણાએ જણાવ્યું હતુ કે, આ વર્ષે ચોમાસાની સીઝનનો સૌથી વધુ વરસાદ બુધવારે પડ્યો છે. જેના પગલે આ વખતે પ્રથમ વખત ઉમરદશી નદીમાં પાણી આવ્યું છે. નદીમાં પાણી આવતાં કાંઠા વિસ્તારના કુવા- બોરમાં પાણીના તળ ઉંચા આવશે.

અન્ય સમાચારો પણ છે...