દેશનું પ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન:બનાસકાંઠાના પશુપાલકો અને બનાસ ડેરી વચ્ચે 'દૂધવાણી' બનશે માધ્યમ, PMના હસ્તે લોકાર્પણ કરાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • રેડિયોના માધ્યમથી પશુપાલકોને બનાસ ડેરીની કામગીરીથી અવગત કરાશે
  • દરેક ગામની દૂધમંડળી પર સ્પીકર ગોઠવવામાં આવશે

ભારતની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં જ વધુ એક ડેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું મંગળવારે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. બનાસ ડેરી સંકુલની સાથે પ્રધાનમંત્રી બનાસ ડેરીના રેડિયો સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. 'દૂધવાણી' નામનું આ રેડિયો સ્ટેશન અંદાજે 5 લાખ લોકોને ડેરી સાથે જોડશે. રેડિયો સ્ટેશનના માધ્યમથી પશુપાલકોનું માર્ગદર્શન અને મનોરંજન કરાશે.

રેડિયોના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં લોકશિક્ષણનું કામ કરાશે
બનાસ ડેરીના નવા 'દૂધવાણી' નામના રેડિયો સ્ટેશનને ભારત સરકારના પ્રસારણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બનાસકાંઠામાં બનેલા દેશના સૌ પ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને 'દૂધવાણી' નામ આપવામાં આવ્યું છે. 19 તારીખે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન આ રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કરશે.

બનાસ ડેરી સંકુલનો પ્લાન
બનાસ ડેરી સંકુલનો પ્લાન

'દૂધવાણી' રેડિયો સ્ટેશન 90.4 FM પર સાંભળી શકાશે
'દૂધવાણી' એ બનાસકાંઠાના સરહદી વિસ્તારનું પ્રથમ રેડિયો સ્ટેશન છે. જેના દ્વારા જિલ્લામાં લોકશિક્ષણનું કામ કરવામાં આવશે. આ સ્ટેશન પશુપાલકો અને ડેરી વચ્ચેનું માધ્યમ બનશે. પશુપાલકોને રેડિયો સ્ટેશનના માધ્યમથી ડેરીની અને દુનિયાની ગતિવિધિઓથી અવગત કરાવવામાં આવશે.

બનાસ ડેરી સંલગ્ન દૂધ મંડળી પર 'દૂધવાણી' સંભળાશે
બનાસ ડેરી સાથે જિલ્લામાં 1100થી વધુ ગ્રામીણ સહકારી દૂધ મંડળીઓ જોડાયેલી છે. આ મંડળીઓ પર દિવસમાં બે ટાઈમ લાખો પશુપાલતો દૂધ ભરાવવા માટે આવતા હોય છે. આ સમયે તેઓ રેડિયોના માધ્યમથી દેશ-દુનિયાના સમચારથી અને ડેરીની ગતિવિધિથી અવગત કરવાનો પ્રયાસ કરાશે. દરેક દૂધ મંડળી પર સ્પીકર ગોઠવવાનો નિર્ણય કરાયો છે. જેથી પશુપાલકો રેડિયો સાંભળી શકશે.

રેડિયો સાથે 5 લાખ લોકોને જોડવાનો અંદાજ
બનાસ ડેરીના રેડિયો સ્ટેશન 'દૂધવાણી'ના માધ્યમથી જિલ્લાના 1700 ગામના અંદાજે 5 લાખ લોકો જોડાવાનો અંદાજ છે. આ સામુદાયિક રેડિયો સ્ટેશન ખેડૂતોને કૃષિ અને પશુપાલન સંબંધિત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડશે.

પ્રધાનમંત્રી રેડિયો સ્ટેશન સાથે અન્ય પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે
પ્રધાનમંત્રી 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલું ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે આનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવું તૈયાર કરવાં આવેલું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.

પ્રધાનમંત્રી પાલનપુરમાં આવેલા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે ચીઝની પ્રોડક્ટ્સ અને છાસ પાવડરના ઉત્પાદન માટે વિસ્તૃત કરવામાં આવેલી સુવિધાઓ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ગુજરાતના દામા ખાતે સ્થાપવામાં આવેલા જૈવિક ખાતર અને બાયોગેસ પ્લાન્ટને પણ રાષ્ટ્રને અર્પણ કરશે. જ્યારે ખીમાના, રતનપુરા – ભીલડી, રાધનપુર અને થાવર ખાતે 100 ટનની ક્ષમતા વાળા ચાર ગોબરગેસ પ્લાન્ટ્સના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે.