પાલનપુરની ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ બીમારીઓની યોગ્ય સારવાર તથા નિ:શુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગત તારીખ 17 એપ્રિલના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુરના વતની દુધારામ મેઘવાલ નામના વ્યક્તિનો અકસ્માત થયો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અંગે તેમના સગા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ જોધપુર, સુમેરપુર સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ગયા પણ યોગ્ય સારવાર ના મળતાં અને કેસની ગંભીરતા જોતા અંતે તારીખ 23 એપ્રિલના રોજ દર્દીને પાલનપુરની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબો દ્વારા કેસની ગંભીરતા જોતા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. સુનીલ જોષીના માર્ગદર્શન હેઠળ અત્રેની દાંત વિભાગના તબીબોની ટીમ દ્વારા તારીખ 26 એપ્રિલના રોજ સફળ ઓપરેશન કર્યું હતું.
જનરલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના હેડ ડૉ.સ્વાતીબેને જણાવ્યું હતું કે, દર્દીને નાક, ડોક અને જડબાં સહિતમાં ફ્રેકચર હોવાથી દર્દીને બેભાન કરવાનું કામ પડકારજનક હતું. છેવટે લોકલ એનેસ્થેસિયાની મદદથી દર્દીના ઉપરના જડબામાં પ્લેટ નાખીને બેભાન કરીને સફળ સર્જરી કરી હતી. આજરોજ દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જી.એન.પી.સી ટ્રસ્ટના ચેરમેન પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, મેડિકલ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે ટ્રસ્ટ વિવિધ સુધારાઓ સાથે આગળ વધી રહ્યું છે તથા ભવિષ્યમાં પણ 1420 બેડ સાથે આધુનિક સગવડોથી સુસજ્જ હોસ્પિટલ બનાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.