જિલ્લા યુવા વિકાસ અધિકારી, બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશ્નર યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ શાળાઓના 370 જેટલા બાળ કલાકારોએ સહભાગી થઇ પોતાની કલા રજૂ કરી હતી.
પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નિબંધ, વક્તૃત્વ, લોક વાદ્ય, ભજન, લોકગીત, દુહા-છંદ, એકપાત્ર અભિનય, સમૂહ ગીત, લોકનૃત્ય, લગ્ન ગીત, સર્જનાત્મક કારીગરી સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના 370 જેટલા બાળ કલાકારોએ સહભાગી થઇ પોતાની કલા રજૂ કરી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સાળવી પ્રાથમિક શાળાના તમામ શિક્ષક ભાઇ-બહેનોનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી પ્રિતેશભાઇ સોની, પ્રાંત યુવા વિકાસ અધિકારી હિંમતભાઇ કાપડી તથા દ્રષ્ટિબેન દવે, સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના ખજાનચી મુકેશભાઇ પટેલ, ભોજનદાતા દલસંગભાઇ ચૌધરી, સાળવી પ્રા.શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ, ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત સહિત બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓના બાળ કલાકારો તથા માર્ગદર્શક શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.