તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dispute Over 10% Marriages In Banaskantha Using SATA Method; Efforts Were Made By The Leaders Of The Society To Increase The Birth Rate Of Girls

આંખ ખોલતા 4 કિસ્સા:બનાસકાંઠામાં સાટા પદ્ધતિથી થતાં લગ્નોમાં વિખવાદ; ભાઇ ઘર જમાઇ રહેતો હોઇ બહેન સાસરે જતી ન હતી

પાલનપુર23 દિવસ પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છોકરીઓની સંખ્યા ઓછી હોવાને કારણે દાયકાઓથી ચાલતો રિવાજ
  • કન્યા જન્મદર વધારવા માટે સમાજના અગ્રણીઓએ પ્રયાસો શરૂ કર્યા

બનાસકાંઠા જિલ્લામાં સાટા પદ્ધતિથી લગ્ન કરવાનો રિવાજ છે. વાવ, સૂઇગામ, દિયોદર, ભાભર વિસ્તારમાં આ રિવાજ વધારે પ્રમાણમાં છે. પાલનપુર મહિલા બેઝ સપોર્ટ સેન્ટર તેમજ બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પલાઇનના સૂત્રોએ જણાવ્યું કે જિલ્લામાં સાટામાં લગ્નના રીવાજથી 10 ટકા યુગલો પિડિત છે. જોકે, આવા પ્રશ્નોમાં સામાજીક સમાધાન થઇ જતુ હોઇ 5 ટકા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. જેમાં દંપતીઓ વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવી રહ્યુ છેે.

‘દીકરીઓનો જન્મદર વધશે તો કુરિવાજ બંધ થશે’
આજના આધુનિક જમાનામાં સાટા પદ્ધતિ યોગ્ય નથી. મારું માનવું એવું છે કે, જો આપણે બધા સમજીએ અને છોકરા અને છોકરી એમ બન્નેના જન્મદરનું બેલેન્સ જળવાય તો જ આ પ્રથા કદાચ દૂર થશે. જેના માટે દરેક સમાજે ગંભીર રીતે વિચાર કરવાની તાકીકે જરૂરિયાત છે. > વિરજીભાઇ જુડાલ, અધ્યક્ષ, અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા

કિસ્સો 1ઃ સાત વર્ષથી વિખૂટા પડેલાં બે દંપતીનું સુખદ મિલન
પાલનપુર સ્થિત મહિલા બેઝ સપોર્ટ સેન્ટરના જિગિશાબેને જણાવ્યું હતું કે પાલનપુર નજીકના ગામના પરિવારના દીકરા- દીકરીના લગ્ન સાટા રિવાજ અનુસાર કરાયા હતા. જોકે, બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં આ જોડકાં છેલ્લાં સાત વર્ષથી વિખુટા પડી ગયા હતા. આ કેસમાં ચારેય જણાંને ભેગા કરી સમજાવવામાં આવતાં સાત વર્ષ પછી સુખદ મિલન થયું હતુ. અને તેમના સંસારનો માળો વિખેરાતો બચ્યો.

કિસ્સો 2ઃ સાટા પદ્ધતિમાં પરણાવ્યા પછી નોકરી જવા દેતા ન હતા
બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલા એક ગામમાં સાટા પદ્ધતિથી પરણાવેલી યુવતી નર્સ તરીકે નોકરી કરતી હતી. જોકે, રૂઢિચૂસ્ત સાસરીયામાં સાસુ, સસરા,મોટા સસરા, અને પતિએ તેની સ્વતંત્રતા છીનવી લીધી હતી. નોકરી જવા દેતા ન હતા અને ઘરમાં ગોંધી રાખતા હતા. તેમજ વારંવાર દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. મહિલાને ત્રાસમાંથી મુક્ત કરાવી પિયરમાં મોકલાવી હતી.

કિસ્સો 3ઃ પિતરાઈ ભાઈનો સંસાર સુખી રહે એ માટે બહેનને બલિદાન આપવું પડ્યું
ભાભર તાલુકાના પિતરાઇ ભાઇ બહેનના સાટા પદ્ધતિથી લગ્ન કરવામાં આવ્યા હતા. બહેનને સાસરે મોકલ્યા પછી એક બાળકીનો જન્મ થયો હતો. બાદમાં તેને કરોડરજ્જુની બીમારી થતાં પતિએ છૂટાછેડા આપી દીધા હતા. તેણે પિતરાઇ ભાઇનો સંસાર સુખી રહે એ માટે કોઇ કાનૂની કે સામાજીક કાર્યવાહી કરી ન હતી. પિતરાઈ ભાઈના જીવનમાં ખુશીઓ જળવાઈ રહે એ માટે તેણે આ બલિદાન આપ્યું.

કિસ્સો 4ઃ ભાઇ ઘર જમાઇ રહેતો હોઇ બહેન સાસરે જતી ન હતી
ડીસા તાલુકાના એક ગામે ભાઇ - બહેનના લગ્ન નજીકના ગામના એક જ પરિવારમાં થયા હતા. ભાઇ સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હોવાથી બેન પોતાની સાસરીમાં જતી નહોતી. ભાભી-ભાાઇ પોતાના ઘરે રહે એવી તેણે જીદ કરી હતી. આ બાબતે સમાજે સમજાવટના પ્રયાસો કર્યા હતા. સફળતા ન મળતાં મામલો છુટાછેડા સુધી પહોચી ગયો હતો. અંતે અભયમ ટીમે સમજાવટ કરીને સૌને મનાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...