વિવાદ:વાધણા ગામમાં મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે ડેપ્યુટી સરપંચની ધરણાંની ચીમકી

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબોને ન્યાય નહીં મળે તોહાઇકોર્ટના દ્વાર પણ ખખડાવીશું

પાલનપુર તાલુકાના વાધણા ગામે મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના અગાઉ ગામના ડેપ્યુટી સરપંચ ભરતભાઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જો કે તેમ છતાં પણ આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતાં હવે ધરણાં પર બેસવાની અને ગરીબોને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી પણ ચીમકી ડેપ્યુટી સરપંચ દ્વારા આપવામાં આવી છે. વાધણા ગામે મનરેગા યોજના અંતર્ગત છેલ્લા 8 વર્ષથી કોઇપણ કામ થયું જ ન હોવા છતાં મનરેગાના જોબકાર્ડ બનાવી બારોબાર પૈસાનું ઉઠમણું થઈ ગયું હોવાના આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભરતભાઇ દ્વારા કરવામાં આવ્યાં હતા.

તે ઉપરાંત વાધણાથી રામસીડા તરફ જતા માર્ગમાં પણ ભ્રષ્ટાચાર આચરી માત્ર સામાન્ય મેટલ પાથરી ગેરરીતિ થઇ હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ મામલે ઉચ્ચ કક્ષાએથી કોઈ જ કાર્યવાહી ન થતા આખરે ડેપ્યુટી સરપંચ દ્વારા ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી ન્યાયની માંગ કરી છે.આ બાબતે ભરતભાઈ એ જણાવ્યુ હતુ, કે ગામના જે લોકોના જોબકાર્ડ ઓનલાઈન બતાવી રહ્યાં છે તે ગામના બધા લોકો અમે ભેગા થઇને આ બાબતે ધરણાં પર બેસીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ સુધી પણ સમગ્ર મામલો લઇ જઇ હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે તો પણ ખખડાવીશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...