આજથી જળ આંદોલન શરૂ:વડગામનું કરમાવદ તળાવ ભરવાની માંગ પ્રબળ બની, 125 ગામના ખેડૂતોએ આજે કળશ પૂજન કરી આંદોલન છેડ્યું

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કળશમાં તળાવની માટી લેવામાં આવી, જળ માટે આંદોલનનો કળશ ગામે ગામ ફરશે
  • આગામી સમયમાં તળાવ ભરવામાં નહિ આવે તો ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી

વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માંગ ઉઠી છે અને આજથી જળ આંદોલન શરૂ થયું છે. વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ આજે સોમવારે કળશ પૂજન કરી અને જળ આંદોલન છેડ્યું છે. છેલ્લા 25થી વધુ વર્ષોથી આ તળાવ ભરવાની માંગ છે, જો આ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામડાઓને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે. ત્યારે આજે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ અને મહિલાઓએ કરમાવદ તળાવ ખાતે ભૂમિ પૂજન અને કળશ પૂજન કર્યુ હતું, તેમજ તેમણે કળશમાં તળાવની માટી લીધી હતી અને હવે જળ માટે આંદોલનનો કળશ ગામે ગામ ફરશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગને લઈ આજે વડગામને પાલનપુર તાલુકાના ખેડૂતોની બેઠક બાદ તળાવ ભરવા માટે આંદોલન ની રણનીતિ તૈયાર કરાઈ છે. છેલ્લા 25થી વધુ વર્ષથી ખેડૂતો આ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની અને વડગામ તાલુકાની પ્રજાની કોઇપણ વાત ધ્યાને લેવામાં આવી નથી. ત્યારે જો કરમાવદ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના 100 ઉપરાંત ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે, જેથી કરમાવદ તળાવ ભરવાની માંગણી પ્રબળ બની છે.

વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે. 1000થી 1200 ફૂટ સુધી પણ પાણી નથી, ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય તો આ પ્રશ્નો મહદઅંશે હલ થઇ શકે છે. તેથી હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર નર્મદાના નીરથી આ તળાવને ભરે, જેથી ખેડૂતોને ફાયદો થાય અને જો આ તળાવમાં પાણી નાખવામાં નહિ આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં જળ આંદોલન કરવાની પણ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

125 જેટલા ગામોને પાણીનો લાભ મળે
પાલનપુર તેમજ વડગામ તાલુકાના ગામડાઓમાં નદી, નાળામાં પાણી નથી. જેથી પાણીના તળ ઉંડા જઇ રહ્યા હોઇ બોર ફેઇલ થઇ રહ્યા છે. આગામી સમયમાં સિંચાઇ અને પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી ભિતી સેવાઇ રહી છે. જો કરમાવત તળાવમાં પાણી ભરાય તો પાલનપુ- વડગામના 125 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનો અંત આવે તેમ છે.

નેતાઓ અભી બોલા અભી ફોક
ખેડૂતોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતુ કે, તળાવ ભરવામાં રાજકારણ રમાઇ રહ્યું છે. પાલનપુર અને વડગામમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યો ચૂંટાતા નથી. જેથી તળાવ ભરવામાં આવતું નથી. આ પ્રશ્ન વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક ધારાસભ્યોનું કોઇ સાંભળતું જ નથી.

અન્ય સમાચારો પણ છે...