ગાયક કલાકારની અટકાયત:કોબ્રા સાથે વીડિયો બનાવનાર ડીસાના ગાયક અર્જુન ઠાકોરની મુશ્કેલીઓ વધી, વનવિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાલનપુરએક મહિનો પહેલા
પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી.
  • ડીસાના ઝાબડિયા ગામના અર્જુન ઠાકોરે ગળામાં કોબ્રાને લપેટીને વીડિયો ઊતાર્યો હતો
  • વન્યજીવ સાથે સાથે ચેડાં કરનાર ગાયક સામે કાર્યવાહીની લોકોએ માગ કરી હતી

કેટલાક કલાકારો સસ્તી પ્રસિદ્ધિ માટે અવનવા ગતકડા કરતા હોય છે, જે તેમને ક્યારેક ભારે પડે છે. ડીસાના ઝાબડિયા ગામના અર્જુન ઠાકોર નામના દેશી ગાયક-કલાકારે કોબ્રા સાપને ગળામાં લપેટીને એની સાથે ગીતો ગાતા મસ્તી કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હલચલ મચી ગઈ છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા અર્જુન ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સિંગરે કોબ્રા સાપને બે હાથેથી પકડીને ગળામાં વીંટાળીને ગીતો ગાયા
ડીસા તાલુકાના જાબડિયા ગામના અર્જુન ઠાકોર નામના ગુજરાતી સિંગરનો કોબ્રા સાપ સાથેનો વીડિયો વાઇરલ થયો હતો. આ સિંગરે કોબ્રા સાપને બે હાથેથી પકડીને ગળામાં વીંટાળીને તેની સાથે મસ્તી કરતા કરતા ગીતો ગાતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વન વિભાગ ગામમાં જઈ તપાસ કરી હતી.ડીસા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝાબડીયા ગામના અર્જુન ઠાકોરની અટકાયત કરી તેને ફોરેસ્ટ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં વન્ય સંરક્ષણ અધિકારી લાલજી રાતડા દ્વારા અર્જુન ઠાકોર અને વીડિયો બનાવનાર અશોકભાઈ વણજારા સામે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કલાકારે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં દેખાતો કોબ્રા સાપ અતિઝેરી ન્યુરોટોક્સિક ઝેરવાળો હોય છે, જેના ડંખથી ચેતાતંતુઓ પર સીધી અસર થાય છે. ગુજરાત સરકારના અધિનયમ 1972ના વન્ય જીવસૃષ્ટિના કાયદા મુજબ આ સાપ રક્ષિત છે. જોકે સોશિયલ મીડિયામાં ગાયક-કલાકારે પ્રશંસા મેળવા માટે કાયદાને નેવે મૂકી સાપ સાથે મસ્તી કરી હતી.જે હવે તેને ભારે પડી ગઈ છે.

લોકોની આકરી પ્રતિક્રિયા બાદ વનવિભાગ હરકતમાં આવ્યું
આ અંગે વિસ્તરણ રેન્જના ડીસીએફ અભય કુમાર સિંઘ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે 'વીડિયો મળ્યા બાદ તપાસ અર્થે ટીમ ગામમાં ગઇ હતી. જાબડિયા ગામમાં યુવકે વીડિયો ઉતાર્યો હતો. તેનું નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. લોકોએ પણ આ વીડિયો નિહાળ્યા બાદ ગાયક કલાકાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માગ કરી હતી. અંતે વનવિભાગ દ્વારા કલાકાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...