કાર્યવાહી:મજાદર ગામે ખેતરના રસ્તા બાબતે સંમતિ આપતી ખોટી નોટરી કરાવતા 4 સામે ગુનો

છાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવોકેટ દ્વારા ખરાઇ કર્યા વગર નોટરી કર્યાનો ફરિયાદમાં જમીનમાલિકનો આક્ષેપ

વડગામ તાલુકાના મજાદર ગામે બે વર્ષ અગાઉ ખેતીની જમીન બિન ખેતી કરાવવા લેઆઉટ પ્લાનમાં બિનખેતીની જમીનમાં જવા-આવવા માટે રસ્તો બતાવવા ખેતર માલિકની જાણ બહાર ખેતરમાંથી રસ્તો આપતી નોટરી કરાવતા ચાર શખ્સો વિરુદ્ધ બુધવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

વડગામના મજાદર ગામે સર્વે નંબર 635 જે એન.એ.કરાવેલ હોઇ તેમાં જવા-આવવા માટેના રસ્તાને લઇ પડોશમાં આવેલ સર્વે નંબર 601માંથી રસ્તો કાઢવા સર્વે નંબર 601 ના જમીન માલિકે સંમતિ આપી હોવાની બોગસ નોટરી અબ્દુલ રહીમ અલ્લાઉદ્દીન મુમન દ્વારા કરાવી હોવાની જાણ થતાં જમીન માલિક આબીદ ગુલામ સુણસરાએ માહિતી અધિકાર અંતર્ગત માહિતી મેળવી તપાસ કરતા રૂપિયા 50ના સ્ટેમ્પ ઉપર રસ્તાની સંમતિ અંતર્ગત નોટરી કરાવ્યાનું બહાર આવ્યું હતું. આ નોટરીમાં અન્ય ત્રણ લોકો સાક્ષી તરીકે સહીઓ કરી હતી.

જોકે આ નોટરીમાં આબીદ ગુલામ સુણસરા તેમજ તેમના સગીર ભાઇના ખોટા અંગુઠાના નિશાન આરોપીએ કર્યા હોવાનું જણાવ્યું હતું અને આ સહીઓની ખરાઇ કર્યા વગર નોટરી એડવોકેટ કિરણ પટેલ દ્વારા નોટરી કરી હોવાનું જણાયું હતું. આબીદ ગુલામ સુણસરાએ ફરિયાદમાં નોટરી કિરણ પટેલે કોઈપણ જાતની ખરાઇ કર્યા વગર બોગસ નોટરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ખોટી નોટરી કરાવનાર અબ્દુલરહીમ અલ્લાઉદીન મુમન, મદદ કરનાર યાકુબ હબીબ સુણસરા, મહંમદજુબેર હબીબ સુણસરા અને આરીફ આદમ સિદ્ધપુરા (તમામ રહે.મજાદર) વિરુદ્ધ આબીદ ગુલામ સુણસરાએ ખોટી નોટરી કરવાના ગુનામાં છાપી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...