કોર્ટનો ચૂકાદો:બસની ટક્કરે પોલીસકર્મીના મોત મુદ્દે નિગમને રૂ.56 લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હૂકમ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશનો ચૂકાદો
  • 3 વર્ષ અગાઉ લાખણીના ચિત્રોડા પાસે બસના ચાલકે બાઈકને ટક્કર મારતાં મુળ દિયોદરના ચિભડાના વતની અને આગથળાના પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું

પાલનપુર - થરાદ માર્ગ ઉપર લાખણી તાલુકાના ચિત્રોડા ગામ નજીક ત્રણ વર્ષ અગાઉ એસ. ટી. બસની ટક્કરે બાઇક સવાર મુળ દિયોદર તાલુકાના ચિભડાના વતની અને આગથળા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કર્મચારીનું મોત નિપજ્યું હતુ. જેમાં મૃતકના પરિવારજનોએ વળતર માટે પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ગુરૂવારે ચાલી જતાં ન્યાયાધીશે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને મૃતકના પરિવારજનોને રૂપિયા 56.01 લાખનું વળતર ચૂકવવા માટે હુકમ કર્યો હતો.

દિયોદર તાલુકાના ચિભડા ગામના નરસિંહભાઇ ઉકાભાઇ કુકણા લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતા. જેઓ તારીખ 08/10/2018ના દિવસે આગથળા પોલીસની કામગીરી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે લાખણી તાલુકાના ચિત્રોડા નજીક એસ.ટી. બસ (જીજે 18 ઝેડ 3266)ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં નરસિંહભાઇને ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.

મૃતકના પરિવારજનોએ વળતર મેળવવા માટે પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસ ગુરૂવારે ચાલી જતાં ન્યાયાધીશ જે.એન.ઠક્કરે અરજદારના વકીલ તેજમાલસિંહ આર. ચાવડાની દલીલો, દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને મૃતકના પરિવારજનોને રૂપિયા 56,01,830 લાખનું વળતર ચૂકવવા માટે હુકમ કર્યો હતો.

મૃતકની વય અને ગુણાંકના આધારે વળતર ચૂકવાયું
અકસ્માતોના કેસમાં વળતર ચૂકવવા માટે મૃતકની વય, તેના પરિવારના આશ્રિતોની સંખ્યા સહિત, પગારની રકમના ગુણાંક ધ્યાને લેવામાં આવે છે. આ કેસમાં પોલીસ કર્મી નરસિંહભાઇની ઉમર માત્ર 24 વર્ષ હતી. તેમનો પગાર 24,073 હતો. તેમજ તેમના પરિવારજનોમાં પત્નિ, પુત્ર પિતા અને બે બહેનો છે. જે નિયમને અનુસરી કોર્ટે રૂપિયા 56.01 લાખનું વળતર ચૂકવવા માટે નિગમને આદેશ કર્યો હતો.

અરજી દાખલ થઇ ત્યાંથી ચૂકાદો આવ્યો ત્યાં સુધી 8 ટકા વ્યાજ ચૂકવવા હૂકમ
માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ પરિવારે 268/2018થી અરજી દાખલ કરી હતી. જે સમયથી કોર્ટે ચુકાદો આપ્યો ત્યાં સુધીમાં થયેલા ખર્ચ તેમજ 8 ટકાના વ્યાજ સાથે આ રકમ ચૂકવવા માટે હૂકમ કરવામાં આવ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં 92 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા
પાલનપુર આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જુદાજુદા વાહનો (એસ.ટી. બસ સહિત અન્ય વાહનો)ના 92 ચાલકોએ ફેટલ અકસ્માતો કર્યા હતા. જેમાં નિયમ મુજબ 90 દિવસ માટે તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બ.કાં.માં 3.5 કરોડનું વળતર ચૂકવાયું છે
બનાસકાંઠા વિભાગીય નિયામક કે. એચ. ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં એસ. ટી.બસ દ્વારા અકસ્માતોના કેસમાં વર્ષ 2021 સુધીમાં રૂપિયા 3.5 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...