પાલનપુરની કોલેજમાં મંગળવારે છાત્ર ઉપર હુમલો કરનારા છ શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ અગાઉ કોલેજની કેન્ટીંગમાં થયેલા ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો હતો. જોકે, ઇજાગ્રસ્ત યુવક આ ઝઘડામાં સામેલ ન હોવાનું સામે આવ્યુ છે.
પાલનપુર કોલેજમાં મંગળવારે થયેલા હૂમલામાં છ શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પાલનપુર તાલુકાનો જગાણાનો સ્મિત ચૌધરી, રાહુલ ચૌધરી તેમજ બીજા ત્રણથી ચાર શખ્સો ચપ્પુ- પાઇપ સાથે કોલેજમાં આવ્યા હતા. જ્યાં બી. એ. સેમી. 4ની પરીક્ષા આપી ગ્રાઉન્ડમાં આવેલા પાલનપુર તાલુકાના કુંભલમેરના હિમાલયભાઇ ગોવિંદભાઇ ભાટીયાને પકડી તુ કોલેજની કેન્ટીંગમાં બનેલી મેટરમાં હતો તેમ કહ્યું હતુ. જોકે, હિમાલયે આ બાબતે કંઇ જાણતો ન હોવાનું કહેતા આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા.
અને ચપ્પુ, પાઇપ તેમજ ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે હિમાલય ભાટીયાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હુમલો કરનારા શખ્સો સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.