નિર્ણય:પાલનપુર કોટ અંદરના વિસ્તારના બિસમાર માર્ગો નવા બનાવાશે

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય અને આંતરિક રસ્તાઓ રિપેર કરવા 50 લાખની ગ્રાંટ ફાળવાઇ

પાલનપુરના કોટ અંદરના વિસ્તારમાં રોડ, સફાઇ સહિત વિકાસના કામોમાં નગરપાલિકા દ્વારા વ્હાલા - દવાલાની નિતી અખત્યાર કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા હતા. જ્યાં બુધવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં આ વિસ્તારમાં માર્ગોનું સમારકામ તેમજ નવા માર્ગો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારનો વિકાસ થયો નથી. માર્ગો બિસમાર હાલતમાં છે. ગટરો ઉભરાઇ રહી છે. ઠેરઠેર ગંદકીના ઢગલા પડેલા હોય છે. આવી સ્થિતિમાં લોકો નગરપાલિકા સામે વ્હાલા દવાલાના વારંવાર આક્ષેપો કરી રહ્યા છે. આ અંગે નગરપાલિકા સત્તાધીશો આગળ રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેના પગલે પાલિકા તંત્ર દ્વારા હવે આ વિસ્તારની કાયાપલટ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

આ અંગે કારોબારી ચેરમેન દિપકભાઇ પટેલે જણાવ્યું કે, બુધવારે યોજાયેલી બેઠકમાં વોર્ડોમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં ખાસ કરીને નાની બજાર, મોટી બજાર સહિતના મુખ્યમાર્ગો, શેરીઓના આંતરિક માર્ગોનું સમારકામ તેમજ નવા માર્ગો માટે રૂપિયા 40 થી 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

એગોલા મેઇન રોડ ઉપર ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાંખવા રજૂઆત
બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા એગોલા રિસર્ફેસીંગ ડામર રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જે કામ શરૂ કરવામાં આવે તે પહેલા આ માર્ગ ઉપર ભૂગર્ભ ગટર યોજનાની પાઇપ લાઇન નાંખવામાં આવે જેથી ફરીથી રોડ ખોદવો ન પડે તે માટે નગરપાલિકાના કોર્પોરેટરે પાલિકામાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...