અંબાજી:આજે મહાયજ્ઞ સાથે ભાદરવી પૂનમ મહોત્સવ શરૂ થયો, માઈભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે

પાલનપુરએક વર્ષ પહેલા
અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાયજ્ઞ સાથે ભાદરવી પૂનમ મહોત્સવની શરૂઆત
  • અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે-7.30 વાગ્યાથી દર્શન કરી શકાશે઼
  • લાખો માઇભક્તો વતી કલેક્ટર અને અંબાજી દેવસ્થાનના અધ્યક્ષ સાગલેએ અંબાજી મંદિર પર ધજા ચડાવી

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમ-2020 મહોત્સવ પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. માઈભક્તો મહામેળાના ઓનલાઈન દર્શન કરી શકશે. કલેક્ટરે યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવીને મંદિર ઉપર ધજા ચડાવીને સાત દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. મહાયજ્ઞ શુભારંભ પ્રસંગે ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા, નાયબ ઇજનેર ગિરીશ પટેલ, મંદિરના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેએ ધજા ચડાવી હતી
કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેએ ધજા ચડાવી હતી

રજીસ્ટર્ડ સંઘોને પૂજા કરેલી ધજાઓ પહોચાડવામાં આવી
કલેકટરે મીડિયાને જણાવ્યું હતું કે, વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતના કલ્યાણ માટે તેમજ કોરોના સંકટ દૂર થાય તે માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે પદયાત્રા દ્વારા અંબાજી આવતા 1400 જેટલા રજીસ્ટર્ડ થયેલા સંઘોને તેમની લાગણી અનુસાર પૂજા કરેલી માતાજીની ધજાઓ પહોંચાડવામાં આવી છે.

અંબાજી મંદિર એક સપ્તાહ બાદ માઈભક્તો માટે ખુલ્લુ મૂકવામા્ં આવશે
અંબાજી મંદિર એક સપ્તાહ બાદ માઈભક્તો માટે ખુલ્લુ મૂકવામા્ં આવશે

3 સપ્ટેમ્બરથી મંદિર માઈભક્તો માટે ખુલશે
કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, આ વર્ષે માઇભક્તો ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે માતાજીની આરતી, દર્શન, ગબ્બર દર્શન વગેરેના લાઇવ- જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીના લોકો અને યાત્રિકોની સલામતિ માટે તા. 24-8-2020થી તા. 4-9-2020 સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતું માઇભક્તોની લાગણી ધ્યાને હવે મંદિર તા. 3 સપ્ટેમ્બરથી જ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે.

કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

મહામેળો બંધ રહેતા વેબકાસ્ટિંગથી દર્શનની વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, આ વરસે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.27-8-2020થી તા.2-9-2020સુધીનો છે પરંતું કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ હોવાથી આ સમયગાળા દરમિયાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીનાં દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇવ વેબકાસ્ટિંગની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે-7.30 વાગ્યાથી દર્શન કરી શકાશે. તા.2-9-2020ના રોજ સાંજે-4.30 વાગે મહાયજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી કરાશે.

અંબાજી મંદિરમાં માઈભક્તો વતી કલેક્ટરે ધજા ચડાવી હતી
અંબાજી મંદિરમાં માઈભક્તો વતી કલેક્ટરે ધજા ચડાવી હતી

કલેકટરે માઇભક્તો વતી મંદિર પર ધજા ચડાવી
કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ખાતે લાખો યાત્રિકો આવતા હોય છે. ઘણા માઇભક્તો મંદિર પર ધજાઓ પણ ચડાવતા હોય છે ત્યારે આ વરસે સૌ માઇભક્તો વતી મંદિર પર ધજા ચડાવી છે. સૌની સુખાકારી અને કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી છે.