કાર્યવાહી:બનાસકાંઠા પુરવઠા તંત્ર અને અમીરગઢ મામલતદારે હાઇવે નજીક ઓચિંતી રેડ કરતા બાયોડીઝલ ભરેલુ ટેન્કર ઝડપાયું

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રને જોઈ ચાલક અને અન્ય ઇસમો વાહન મૂકી ભાગી ગયા

બનાસકાંઠા પુરવઠા તંત્ર અને અમીરગઢ મામલતદારે અમિરગઢ હાઇવે નજીક ઓચિંતી રેડ કરતા બાયોડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું છે. જેમાં તંત્રને જોઈ તેનો ચાલક અને અન્ય ઇસમો ત્યાંથી વાહન મૂકી ભાગી છૂટયા હતા. જેમાં આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા માફિયાઓમાં ફફડાટ અમીરગઢ વિસ્તારમાં બાયોડીઝલનો કાળાબજાર ઘણા સમયથી થઈ રહ્યો છે. પરંતુ આવા ધંધા કરનાર ઇસમો કોઈના હાથમાં ન આવતાં ચતુરાઈથી પોતાની હબ ચલાવી રહ્યાં છે. જેથી બનાસકાંઠા પુરવઠા તંત્રને બાતમીના આધારે છેલ્લા એક અઠવાડિયાથી બાયોડીઝલ વેચતા માફિયાઓને રંગે હાથ પકડવા માટે ચાંપતી નજર રાખી રહ્યાં હતા.

ટેન્કર કબ્જે લઇ બિનવારસી ટ્રકના માલિકની શોધ હાથ ધરી

ત્યારે ગત રાત્રીના સમયે અમીરગઢ પાસે આવેલી સિમેન્ટ ફેકટરીની સામે રેલવે લાઈન પાસે બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા બનાસકાંઠા પુરવઠા તંત્ર અને અમીરગઢ મામલતદાર આ દિશામાં ઓચિંતી રેડ કરતા બાયોડીઝલ ભરેલુ ટેન્કર ઉભેલુ હતું. પરંતુ તંત્રને જોઈ તેનો ચાલક અને અન્ય ઇસમો ત્યાંથી પોતાનું વાહન મૂકી ભાગી છૂટયા હતા. ત્યારે તંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા તેમાં બાયોડીઝલ ભરેલુ હોવાથી ટેન્કર કબ્જે લઇ બિનવારસી ટ્રકના માલિકની શોધ હાથ ધરી હતી. તેમજ બાયોડીઝલ ભરેલુ વાહન પોલીસને સોપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...