બનાસકાંઠા રિઝલ્ટ:બનાસકાંઠા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોએ જ મેદાન માર્યું, ત્રણેય નગરપાલિકા પર કબજો જમાવ્યો; કોંગ્રેસના સૂપડાં સાફ

બનાસકાંઠાએક વર્ષ પહેલા
બનાસકાંઠા નગરપાલિકામાં પણ ભાજપે સત્તા કબજે કરી છે
  • 2015ની બનાસકાંઠાની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 88 બેઠકોમાંથી ભાજપને 44 અને કોંગ્રેસને 27 બેઠકો મળી હતી

બનાસકાંઠા નગરપાલિકામાં પણ ભાજપે સત્તા કબજે કરી છે. ફરી એક વખત ઉત્તર ગુજરાતના મતદારો ભાજપ તરફ વલણ રાખતા તમામ ત્રણેય નગરપાલિકા ભાજપે કબજે કરી છે. પાલનપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 44 બેઠકમાંથી ભાજપને 32 જ્યારે કોંગ્રેસને 12 બેઠક મળી છે. તો ડીસામાં ભાજપનો ડંકો વાગતા કુલ 44 બેઠકમાંથી 27 પર બેઠક પર કબજો જમાવ્યો છે. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 1 જ બેઠક આવી છે. ડીસ નગરપાલિકામાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું અને અહીં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જ ટક્કર જોવા મળતી હતી. ડીસમાં 16 અપક્ષ ઉમેદવારોએ બાજી મારી છે. આ ઉપરાંત ભાભરમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ થઈ જતા, ભાભરની કુલ 24 બેઠકમાંથી ભાજપે 22 બેઠક પર જીત મેળવી છે તો કોંગ્રેસને માત્ર 2 જ બેઠકથી સંતોષ મનાવવો પડ્યો છે.

આ ઉપરાંત ધાનેરા અને થરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયાં છે. જયારે દાંતીવાડા તાલુકા પંચાયતની મોટી મહુડી બેઠક પર ભાજપ અને કાંકરેજ તાલુકા પંચાયતની માંડલા બેઠક કોંગ્રેસને ફાળે આવી છે.

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો હતો કોંગ્રેસના ફાળે માત્ર 12 બેઠકો આવી હતી ગત ટર્મ કરતાં ૧૦ બેઠકો કોંગ્રેસને ઓછી મળી હતી.જોકે પ્રજાનો આક્રોશ હોવા છતાં કોંગ્રેસ બેઠકો મેળવવામાં નિષ્ફળ રહી હતી. કોંગ્રેસે કબૂલ્યું હતું કે પ્રજાએ જે જનમત આપ્યો છે તે શિરોમાન્ય રહેશે અને આગળના સમયમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ થશે. પાલનપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા જ ભાજપના સમર્થકોએ ઉમેદવારોને હર્ષભેર વધાવી લીધા હતા ભારત માતાકી જયના નારા સાથે ઉમેદવારોને વધાવી લેતા હતા. જોકે શહેરમાં થયેલા વિકાસના કામો અને કાર્યકરોની મહેનતને સફળતા મળી હોવાનો પણ સમર્થકોએ સમર્થન આપ્યું હતુંપાલનપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં ભાજપના ફાળે ૩૨ બેઠકો આવતા ઇતિહાસ સર્જાયો હતો. જ્યારે કોંગ્રેસના ફાળે 12 બેઠકો ગઈ હતી.. ભાજપે કરેલા વિકાસના કાર્યોને લીધે બેઠકો મળી હોવાનું પક્ષના કાર્યકર્તાઓએ નિવેદન આપ્યું હતું. જ્યારે કોંગ્રેસે પ્રજાનો જનમત શિરોમાન્ય રાખ્યો હતો. ચૂંટણીના સમીકરણનો જોતા પરિણામ અણધાર્યું આવ્યું હતું અને ભાજપે મોટાભાગના વોર્ડમાં પેનલથી વિજેતા બની હતી. જોકે ભાજપના કાર્યકરોની મહેનત અને ભાજપના વિકાસના કરેલા કામોને લઇ ભાજપને સફળતા મળી હોવાનું રાષ્ટ્રીય કારોબારી સભ્ય હિતેશ ચૌધરીએ નિવેદન આપ્યું હતું

રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતુ. જ્યાં પાલનપુરમાં 56.46% ડીસામાં 60.45% ભાભર 74.52% મતદાન થયું છે. જેમાં પાલનપુરમાં ગત ચૂંટણી કરતા 2.34% મતદાન ઘટ્યું છે. ડીસામાં 6.03% ઘટ્યું છે જ્યારે ભાભરમાં 1.16 % મતદાન વધ્યું છે. સાથે સાથે થરા પાલિકામાં 63.89% કાંકરેજ તાલુકા પંચાયતની માંડલા બેઠક માટે 69.81 મતદાન રહ્યું હતુ. જ્યારે ધાનેરની પેટા ચૂંટણીમાં 62.52 % જ્યારે દાંતીવાડાની મોટીમહુડી પેટા ચૂંટણીમાં 64.88 % મતદાન થયું છે. હવે મત ગણતરી મંગળવારે યોજાશે. જેની પર સહુની મીટ મંડાયેલી છે.

2015નું રિઝલ્ટ
બનાસકાંઠાની 2015ની નગરપાલિકાની ચૂંટણી પણ રસપ્રદ જોવા મળી હતી. 2015ની બનાસકાંઠાની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 88 બેઠકોમાંથી ભાજપને 44 અને કોંગ્રેસને 27 બેઠકો મળી હતી.