તપાસ:બનાસકાંઠા સાંસદનો વીડિયો વાયરલ, પુત્રની બે સામે ફરિયાદ

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ પરબતભાઈ પટેલનો યુવતી સાથેનો કથિત વીડિયો અસલી કે એડિટિંગ કરેલો છે તેની તપાસ પાલનપુર એલસીબી કરશે, સૌથી ચર્ચાસ્પદ પાત્ર યુવતી કોણ?
  • 15 ઓગસ્ટે વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર આપના કાર્યકર મધાભાઈ પટેલ અને વાયરલ કરનારા મુકેશ રાજપૂતની અટકાયત

બનાસકાંઠાના સાંસદ પરબત પટેલનો યુવતી સાથેનો કથિત વીડિયો મંગળવારે રાત્રે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સાંસદના પુત્રએ થરાદ પોલીસ મથકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર ભાચરના આપના કાર્યકર મધાભાઈ પટેલ અને વીડિયો વાયરલ કરનારા પીલુડાના મુકેશ રાજપૂત સામે ફરિયાદ નોંધાવતાં એલસીબીની ટીમે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાજપના સાંસદ પરબતભાઇ પટેલનો યુવતી સાથેનો કથિત વીડિયો 15 ઓગસ્ટના દિવસે વાયરલ કરવાની આમ આદમી પાર્ટીના કાર્યકર થરાદ તાલુકાના ભાચર ગામના વતની મધાભાઇ હરચંદભાઇ પટેલે ધમકી ઉચ્ચારી હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેની સાથે વીડિયોના સ્ક્રિનશોટ પણ વાયરલ કરાયા હતા. જોકે, મંગળવારે વીડિયો જ વાયરલ થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે સાંસદના પુત્ર શૈલેશભાઇ પરબતભાઇ પટેલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ 389, 387, 385, 500, 501 (ક), 506 (2), 120 (બી) આઇપી એકટ 6767 (1) મુજબ ગુનો નોંધી વીડિયો વાયરલ કરવાની ધમકી આપનારા મધાભાઇ હરચંદભાઇ પટેલ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનારા થરાદ તાલુકાના પીલુડા ગામના મુકેશભાઇ લખાભાઇ રાજપૂતની અટકાયત કરાઇ છે તેમ એલસીબી પીઆઈ એચ.પી. પરમારે કહ્યું છે.

વીડિયોની ચકાસણી બાદ યુવતીની ઓળખ થયેથી કાર્યવાહી થશે : પોલીસ
એલસીબી પીઆઇ એચ.પી. પરમારે જણાવ્યંુ કે,સાંસદના કથિત વીડિયોમાં જે યુવતી છે તેની ઓળખ એફએસઅેલમાં ચકાસણી બાદ સાબિત થઇ શકે છે. જે યુવતી છે એ અસલ છે કે પછી એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે. જે ફલિત થયા બાદ જો યુવતીની ઓળખ પ્રસ્થાપિત થાય એ પછી તેની શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એફએસએલની મદદ લેવાશે
આમ આદમી પાર્ટીના કાર્યકર મધાભાઇ પટેલનો દાવો છે કે, આ વીડિયો ઓરિજનલ છે. જ્યારે સાંસદ પરબતભાઇ પટેલ અને તેમના પુત્ર શૈલેશભાઇ એવું કહી રહ્યા છે કે, વીડિયો એડિટ કરેલો છે. ત્યારે વીડિયોની અસલિયત ચકાસવા માટે એલસીબી પીઆઇ દ્વારા એફઅેસએલની મદદ લેવામાં આવશે.

પીલુડામાં સૌપ્રથમ વીડિયો વાયરલ
આ વીડિયો સૌપ્રથમ પિલુડા સોશિયલ મીડિયા ગૃપમાં મુકેશભાઇ લખાભાઇ રાજપૂતે વાયરલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આથી પોલીસે તેની અટકાયત કરી છે. દરમિયાન અન્ય ગૃપમાં પણ આ વીડિયો વાયરલ કરનારા બીજા શખ્સોની ઓળખ કરી તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પીઆઇ કે. એસ. ચૌધરીએ જણાવ્યું હતું.

રાજકીય બદનામી અને નાણાં પડાવવાનું ષડયંત્ર : પુત્ર
મઘાભાઇ પટેલે 15મી ઓગસ્ટે વીડિયો જાહેર કરવા કહ્યંુ હતું. આ એડિટિંગ કરેલો વીડિયો છે. જે પણ આરોપીઓ છે તેમને કડક સજા થવી જોઇએ. મારા પિતાજી 25 વર્ષથી રાજકારણમાં હોઇ તેમને બદનામ કરવાનું અને પૈસા પડાવવાનું ષડયંત્ર છે. મેં ફરિયાદ નોંધાવી છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇને રહેશે. - શૈલેશભાઇ પટેલ, ફરિયાદી, સાંસદના પુત્ર